દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીપરગોટા ગામની અચાનક મુલાકાત લીધી હતી. રતનમહાલથી ગરબાડા જતી વખતે તેમણે કાફલો રોકાવ્યો અને પગપાળા ચાલીને આદિવાસી ખેડૂત બકુલભાઈ વાખળાના ઘરે પહોંચ્યા હતા.

ખેડૂત પરિવાર સાથે ખેતી અંગે ચર્ચા
મુખ્યમંત્રીએ બકુલભાઈ અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. તેમણે મકાઈની ખેતી, પાકની ઉપજ અને પરિવારની આજીવિકા અંગે જાણકારી મેળવી હતી. પરિવારના બાળકો સાથે પણ વાત કરીને તેમના અભ્યાસ અને શાળા અંગે પૂછપરછ કરી હતી.
આંગણવાડીમાં બાળકો સાથે સંવાદ
મુખ્યમંત્રીએ પીપરગોટા ગામના નંદઘર-આંગણવાડી કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. ત્યાં બાળકોને મળતી પોષણ સેવાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
તેમણે બાળકોની હાજરી, નાસ્તાની ગુણવત્તા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે આંગણવાડી કાર્યકરો પાસેથી માહિતી મેળવી હતી.
બાબાદેવના દર્શન અને સખી મંડળના સ્ટોલની મુલાકાત
પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ ભુવેરો ગામના પ્રાચીન બાબાદેવ મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનોના સ્ટોલની મુલાકાત લીધી હતી.
સ્ટોલમાં પ્રાકૃતિક ખેતીની પેદાશો, ખજૂરીનાં પાનની છાબડીઓ, હર્બલ સાબુ અને પરંપરાગત વસ્તુઓ નિહાળી હતી. મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે બેસીને તેમની રજૂઆતો પણ સાંભળી હતી.મુખ્યમંત્રીનો આ પ્રવાસ આદિવાસી વિસ્તારની સ્થિતિ સમજવા અને સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ સાધવાના હેતુથી યોજાયો છે.