ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં બહારના પ્રવાસીઓ માટે દારૂની પરમિટ પ્રક્રિયા નાબૂદ. હવે માત્ર માન્ય ઓળખપત્ર બતાવીને ગાર્ડન કે પૂલ સાઈડ પર દારૂનું સેવન કરી શકાશે. જાણો સરકારના નવા નિયમો અને 2030ના પ્લાન વિશે.

ગાંધીનગર, મંગળવાર
ગુજરાતની ધરતી પર આવેલા દેશના અને દુનિયાના આર્થિક હબ ગણાતા ગાંધીનગરના ‘ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી’ (GIFT CITY)ને લઈ રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્ષોથી ચાલી આવતી કડક દારૂબંધીની નીતિમાં ગિફ્ટ સિટી પૂરતી મોટી રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારે જાહેર કરેલા નવા નોટિફિકેશન મુજબ, હવે ગિફ્ટ સિટીમાં આવતા ગુજરાત બહારના પ્રવાસીઓ અને વિદેશી નાગરિકો માટે દારૂના સેવનના નિયમો સાવ સરળ કરી દેવામાં આવ્યા છે. અગાઉ અહીં દારૂના સેવન માટે કામચલાઉ પરમિટ લેવી ફરજિયાત હતી, જે પ્રક્રિયા હવે સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવી છે.
સરકારના આ નવા નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ગિફ્ટ સિટીને દુબઈ અને સિંગાપોર જેવા વૈશ્વિક આર્થિક કેન્દ્રોની સ્પર્ધામાં ટકાવી રાખવાનો અને વધુ આકર્ષક બનાવવાનો છે. હવેથી ગિફ્ટ સિટીની મુલાકાતે આવતા કોઈપણ બહારના રાજ્યના પ્રવાસી કે વિદેશી નાગરિકે પરમિટ માટે લાંબી લાઈનોમાં કે ઓનલાઈન પ્રક્રિયામાં સમય બગાડવો પડશે નહીં. ગિફ્ટ સિટીમાં આવેલી અધિકૃત હોટલ, રેસ્ટોરન્ટ કે ક્લબમાં તેઓ માત્ર પોતાનું માન્ય ઓળખપત્ર (Identity Card) બતાવીને દારૂનું સેવન કરી શકશે. એટલું જ નહીં, આ સેવન માટે હવે બંધ રૂમ સુધી સીમિત રહેવાની જરૂર નથી; મુલાકાતીઓ ગાર્ડન એરિયા, પુલ સાઇડ અને ટેરેસ જેવા ખુલ્લા વિસ્તારોમાં પણ દારૂના સેવનનો આનંદ માણી શકશે, જે એક મોટો બદલાવ માનવામાં આવે છે.
જોકે, આ છૂટછાટની સાથે સરકારે કડક લાલબત્તી પણ ધરી છે. આ નિયમો માત્રને માત્ર ગિફ્ટ સિટીના નિર્ધારિત વિસ્તાર પૂરતા જ સીમિત રહેશે. અહીંથી ખરીદેલી દારૂની બોટલ કે જથ્થો કોઈ પણ વ્યક્તિ ગિફ્ટ સિટીની બહાર કે શહેરના અન્ય કોઈ વિસ્તારમાં લઈ જઈ શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આ નિયમનો ભંગ કરતી પકડાશે, તો તેની સામે ગુજરાતના કડક દારૂબંધી કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમ, સરકારે ‘લિબરલ’ અભિગમની સાથે કાયદાનું પાલન પણ એટલું જ કડક રાખ્યું છે.
બિઝનેસ અને આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો, આ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં કોર્પોરેટ ઈવેન્ટ્સ, મોટી કોન્ફરન્સ અને હોસ્પિટાલિટી સેક્ટરને જબરદસ્ત વેગ મળવાની શક્યતા છે. આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને વિદેશી મહેમાનો માટે આ પ્રક્રિયા સરળ થવાથી બિઝનેસ ટુરીઝમ વધશે. આ ઉપરાંત, ભવિષ્ય માટે પણ સરકારનું વિઝન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વર્ષ 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાની શક્યતાઓ છે. સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય રમતોત્સવને ધ્યાનમાં રાખીને ગિફ્ટ સિટી જેવી છૂટછાટનો વ્યાપ આગામી સમયમાં વધારીને અમદાવાદ શહેરમાં પણ આપવામાં આવી શકે છે.
2030 પહેલાં અમદાવાદમાં આવી છૂટ આપવા પાછળનો તર્ક એ છે કે કોમનવેલ્થ ગેમ્સ સમયે દેશ-વિદેશથી આવતા હજારો રમતવીરો, તેમના સ્ટાફ, મહેમાનો અને પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે. આગામી વર્ષોમાં ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ અને નાઇટ ઇકોનોમિને પ્રોત્સાહન મળે તેવાં પગલાં પણ સરકાર દ્વારા ભરવામાં આવશે. આમ, હાલ પૂરતું ગિફ્ટ સિટી વિદેશી અને બહારના પ્રવાસીઓ માટે ‘ચીયર્સ’ કહેવા માટે તૈયાર છે, જ્યારે અમદાવાદ માટે ભવિષ્યમાં નવા દરવાજા ખુલી શકે છે.











