ગુજરાતમાં ડિસેમ્બરના 3 સપ્તાહ વીતવા છતાં કડકડતી ઠંડીનો અહેસાસ નથી. હવામાન વિભાગે ‘અર્બન હિટ આઈલેન્ડ’ અને નબળા પવનોને જવાબદાર ગણાવ્યા છે. જાણો જાન્યુઆરીમાં કેવું રહેશે તાપમાન અને કયા શહેરમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ.

ગાંધીનગર, મંગળવાર
ગુજરાતમાં સામાન્ય રીતે ડિસેમ્બર મહિનો શરૂ થાય એટલે લોકોને સ્વેટર અને ધાબળા બહાર કાઢવા પડે તેવી કડકડતી ઠંડી પડતી હોય છે. પરંતુ આ વર્ષે ચિત્ર કંઈક અલગ જ છે. ડિસેમ્બર મહિનાના 3 સપ્તાહ પૂરા થઈ ગયા હોવા છતાં, રાજ્યમાં શિયાળો હજુ સુધી તેના ટોપ ગિયરમાં આવ્યો નથી. ગુજરાતના મોટાભાગના શહેરોમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો હજુ પણ 15 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યો છે, જે શિયાળાની ઋતુ માટે સામાન્ય નથી. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 દિવસ સુધી હજુ પણ કડકડતી ઠંડી પડવાની સંભાવના નહિવત છે, જે શિયાળાના પ્રેમીઓ માટે નિરાશાજનક સમાચાર છે.
આ વખતે ઠંડી ગુજરાત સુધી કેમ નથી પહોંચી રહી તે એક મોટો પ્રશ્ન છે. હવામાન નિષ્ણાતોના મતે, સામાન્ય સંજોગોમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં હિમાલય તરફથી ફૂંકાતા ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશાના ઠંડા પવનો ગુજરાતમાં કાતિલ ઠંડી લાવે છે. જોકે, આ વર્ષે આ પવનોનું જોર સાવ નબળું છે, જેના કારણે ઠંડીનો પ્રભાવ ઓછો વર્તાય છે. બીજી તરફ, ઉત્તર ભારતમાં વારંવાર સર્જાતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણ વાદળછાયું અને ભેજવાળું રહે છે. આ સ્થિતિ રાત્રિના તાપમાનને ઘટવા દેતી નથી અને ગુજરાત સુધી ઠંડી મજબૂતાઈથી પહોંચી શકતી નથી. અરબી સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનો પણ તાપમાનને નીચે જતું અટકાવે છે, જેથી લોકોને રાત્રે ઠંડીના બદલે સામાન્ય ગરમીનો અહેસાસ થાય છે.
આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં ઠંડી ગાયબ થવા પાછળનું એક મુખ્ય કારણ ‘અર્બન હિટ આઈલેન્ડ’ ઈફેક્ટ છે. સરળ ભાષામાં કહીએ તો, જ્યારે શહેરોનું તાપમાન આસપાસના ગ્રામ્ય વિસ્તારો કરતા વધારે રહે ત્યારે તેને અર્બન હિટ આઈલેન્ડ કહેવાય છે. શહેરોમાં ઘટતા વૃક્ષો, વાહનોનો ધુમાડો અને ગગનચુંબી ઈમારતો આ માટે જવાબદાર છે. આપણે જે કોંક્રિટ અને ડામરના રોડ, બિલ્ડિંગ અને ફ્લાય ઓવર બનાવ્યા છે, તે દિવસ દરમિયાન સૂર્યની ગરમીને શોષી લે છે અને રાત્રે ધીમે-ધીમે તે ગરમી બહાર છોડે છે. આ પ્રક્રિયાને કારણે રાત્રે પણ ગરમીનો અનુભવ થાય છે અને તાપમાન નીચું જતું નથી. ક્લાઈમેટ ચેન્જ અને અલ નિનો જેવી અસરોને લીધે પણ હવે શિયાળાની ઋતુ પહેલા કરતા ટૂંકી થઈ ગઈ છે.
આગામી દિવસોમાં ઠંડીના જોર વિશે વાત કરીએ તો, આ અઠવાડિયે સરેરાશ લઘુતમ તાપમાન 14 થી 15 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જોકે, જાન્યુઆરી મહિનામાં થોડી રાહત મળી શકે છે, જેમાં તાપમાન 8 થી 12 ડિગ્રી વચ્ચે અને ફેબ્રુઆરીમાં 11 થી 15 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં દાહોદ સૌથી ઠંડુ શહેર રહ્યું છે, જ્યાં તાપમાન 12.6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સુરત 19.4 ડિગ્રી સાથે પ્રમાણમાં ગરમ રહ્યું છે.
રાજ્યના અન્ય પ્રમુખ શહેરોમાં તાપમાનની સ્થિતિ જોઈએ તો, અમરેલીમાં 13 ડિગ્રી, વડોદરામાં 14.2 ડિગ્રી, રાજકોટમાં 14.5 ડિગ્રી અને ડીસામાં 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પાટનગર ગાંધીનગરમાં તાપમાન 16.5 ડિગ્રી અને અમદાવાદમાં 17.2 ડિગ્રી રહ્યું છે, જે દર્શાવે છે કે શહેરીકરણની અસર અહીં વધુ છે. અમદાવાદના ઈતિહાસ પર નજર કરીએ તો છેલ્લા 15 વર્ષમાં ડિસેમ્બરનું તાપમાન ઘણું નીચું જતું હતું. જેમ કે, 27 ડિસેમ્બર 2018ના રોજ અમદાવાદમાં 8.0 ડિગ્રી અને 22 ડિસેમ્બર 2010ના રોજ 8.2 ડિગ્રી જેવું નીચું તાપમાન નોંધાયું હતું, જેની સરખામણીએ હાલનું 17.2 ડિગ્રી તાપમાન ઘણું વધારે કહી શકાય.











