બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આધાર, પાન કે ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ નાગરિકતા સાબિત કરતા નથી. જાણો, હાઈકોર્ટે શું કહ્યું અને શા માટે ‘સિટિઝનશિપ એક્ટ’ જ દેશની નાગરિકતા માટે અંતિમ કાયદો છે.

મુંબઈ, બુધવાર
શું તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ કે વોટર આઈડી છે? જો હા, તો શું તમે ભારતના નાગરિક છો? આ સવાલ પર બોમ્બે હાઈકોર્ટે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને સ્પષ્ટ ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું છે કે આવા ઓળખપત્રો હોવા માત્રથી કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક બની જતી નથી. ગેરકાયદેસર ઘુસણખોરીના એક આરોપીની જામીન અરજી ફગાવી દેતા કોર્ટે આ વાત કહી. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દેશમાં નાગરિકતા અંગેની ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે.
શું હતો મામલો?
આખો મામલો બાંગ્લાદેશના એક નાગરિક બાબુ અબ્દુલ રઉફ સરદાર સાથે જોડાયેલો છે. તેના પર ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસી આવવાનો અને ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવીને અહીં રહેવાનો આરોપ છે. તેણે ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને વોટર આઈડી પણ બનાવી લીધા હતા. જ્યારે તેણે જામીન માટે અરજી કરી, ત્યારે જસ્ટિસ અમિત બોરકરની બેન્ચે તેની અરજી ફગાવી દીધી.
હાઈકોર્ટે શું કહ્યું?
હાઈકોર્ટે સ્પષ્ટતા કરી કે, “નાગરિકતા અધિનિયમ, 1955 (Citizenship Act, 1955) જ દેશમાં નાગરિકતા અને રાષ્ટ્રીયતાને વ્યાખ્યાયિત કરતો એકમાત્ર કાયદો છે. તે સ્પષ્ટ કરે છે કે કોણ નાગરિક છે અને જો કોઈ નાગરિક નથી તો તે કેવી રીતે નાગરિકતા મેળવી શકે છે.” કોર્ટે ભારપૂર્વક કહ્યું કે, આધાર, પાન અને વોટર આઈડી જેવા દસ્તાવેજો માત્ર ઓળખ અને સેવાઓ પૂરી પાડવા માટે છે, નાગરિકતા માટે નહીં.
બેન્ચે વધુમાં કહ્યું કે, નાગરિકો અને ગેરકાયદેસર ઘુસણખોરો વચ્ચેનો ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આ તફાવત દેશની સાર્વભૌમત્વનું રક્ષણ કરે છે. જો ગેરકાયદેસર લોકોને નાગરિકોના અધિકારો મળી જાય તો દેશ જોખમમાં મુકાઈ શકે છે.
કોર્ટે આરોપીને જામીન આપવાનો ઇન્કાર કરતા કહ્યું કે, જો તેને છોડી મૂકવામાં આવે તો તે ફરાર થઈ જશે અને આ મામલાની તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય સ્પષ્ટપણે દર્શાવે છે કે માત્ર ઓળખપત્રોના આધારે ભારતીય નાગરિકતાનો દાવો કરી શકાતો નથી.











