અમદાવાદની બાપુનગર ESIC હોસ્પિટલની ગંભીર બેદરકારી! મહિલા દર્દીઓની ખીચડીમાંથી જીવાત નીકળતા ભારે હોબાળો. જાણો કોન્ટ્રાક્ટર સામે કેમ નથી થઈ રહી કાર્યવાહી.

અમદાવાદ, બુધવાર
અમદાવાદ શહેરમાંથી મેડિકલ સિસ્ટમની એક મોટી અને ગંભીર બેદરકારી સામે આવી છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી 320 બેડની ESIC સંચાલિત જનરલ હોસ્પિટલમાં દર્દીઓના જીવ સાથે ચેડાં થતા હોવાનો કિસ્સો બન્યો છે. અહીં મહિલા મેડિકલ વિભાગમાં દાખલ દર્દીઓને સાંજના સમયે પીરસવામાં આવેલી ખીચડીમાંથી જીવાત નીકળતા હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચી ગયો હતો.
ભોજનમાં જીવાત દેખાતા દર્દીઓએ જમવાનું પાછું આપ્યું
મળતી માહિતી મુજબ, બાબુભાઈ પરમાર, વિજયાબેન મહેન્દ્રભાઈ દવે અને અશોકભાઈ એચ. જાદવ સહિતના દર્દીઓને આપવામાં આવેલા ભોજનમાં જીવાત જોવા મળી હતી. મહિલા વોર્ડમાં અપાયેલી ખીચડીમાં જીવાત દેખાતા જ અંદાજે 42 જેટલી મહિલા દર્દીઓમાં ડર અને ભારે રોષ જોવા મળ્યો હતો. ગુસ્સે ભરાયેલા મોટાભાગના દર્દીઓએ આ જીવાતવાળું જમવાનું ખાધા વગર જ પરત કરી દીધું હતું.
કોર્પોરેટરની એન્ટ્રી અને રાત્રે 11 વાગ્યે નવું જમવાનું અપાયું
આ મામલો ગરમાતા ગોમતીપુરના દર્દીઓએ તાત્કાલિક સ્થાનિક સિનિયર કોર્પોરેટર ઈકબાલ શેખને આ અંગે જાણ કરી હતી. દર્દીઓની ફરિયાદ મળતા જ ઈકબાલ શેખ તરત જ હોસ્પિટલ પર પહોંચી ગયા હતા. તેમણે હોસ્પિટલના CMO અને નાઈટ સુપરિન્ટેન્ડન્ટ સામે કડક શબ્દોમાં રજૂઆત કરી હતી. કોર્પોરેટરની દખલ અને દર્દીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું અને રાત્રે 11 વાગ્યે ફરીથી નવું તથા સ્વચ્છ જમવાનું બનાવીને દર્દીઓને પીરસવામાં આવ્યું હતું.
સગાવલાદની નીતિથી કોન્ટ્રાક્ટરને બચાવવાનો પ્રયાસ?
આ સમગ્ર વિવાદમાં પ્રાથમિક તપાસ દરમિયાન કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે, હોસ્પિટલમાં ખાદ્ય સામગ્રી પૂરી પાડવાનું કામ એક કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે. હોસ્પિટલના કિચનની સંપૂર્ણ જવાબદારી કૈલાશ મીણા નામની વ્યક્તિ પાસે છે. દર્દીઓ અને લોકોનો એવો આક્ષેપ છે કે, કૈલાશ મીણા કોઈ મોટા સિનિયર અધિકારીના સગા છે. આ લાગવગના કારણે જ આટલી મોટી બેદરકારી છતાં તેમની સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી રહી.
કેન્દ્રીય મંત્રીને લેખિત ફરિયાદ
આ ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર મામલે સિનિયર કોર્પોરેટર ઈકબાલ શેખે દિલ્હી સુધી રજૂઆત કરી છે. તેમણે કેન્દ્ર સરકારના લેબર મંત્રી મનસુખ માંડવીયા તેમજ અન્ય સંબંધિત ઉચ્ચ અધિકારીઓને આ બાબતે લેખિતમાં ફરિયાદ મોકલીને કડક પગલાં લેવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહે છે કે ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે રમત રમનાર કોન્ટ્રાક્ટર સામે તંત્ર દ્વારા કોઈ શિક્ષાત્મક પગલાં લેવાય છે કે કેમ.











