સુરતમાં કાળમુખી આગ: લિંબાયતમાં સાડીના કારખાનામાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, માસૂમ બાળક સહિત 5ના કરુણ મોત

સુરતના લિંબાયત વિસ્તારમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતા 5 લોકોના મોત નીપજ્યા છે. સાડીના કામના જ્વલનશીલ કેમિકલ અને ફોર્મ શીટમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગે એક જ પરિવારનો માળો વિખેરી નાખ્યો.

સુરત, મંગળવાર

ડાયમંડ સિટી સુરત માટે આજનો દિવસ અમંગળ સાબિત થયો છે. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક રહેણાંક મકાનમાં લાગેલી ભીષણ આગે પાંચ જિંદગીઓ હોમી દીધી છે. આ દુર્ઘટનામાં એક નિર્દોષ બાળક અને ચાર મહિલાઓના ગૂંગળામણ અને દાઝી જવાથી મોત નીપજતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

શોર્ટ સર્કિટ બન્યું કાળ: ઝેરી ધુમાડાએ લીધો ભોગ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, જે મકાનમાં આગ લાગી ત્યાં સાડીઓ પર જોબવર્કનું કામ ચાલતું હતું. ઘરમાં સાડીઓના પેકિંગ માટે વપરાતી ફોર્મ શીટ્સ અને કેમિકલનો મોટો જથ્થો પડ્યો હતો. ઇલેક્ટ્રિક સ્વીચ બોર્ડમાં થયેલા શોર્ટ સર્કિટના તણખા આ જ્વલનશીલ ફોર્મ પર પડતાની સાથે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, આશ્ચર્યની વાત એ છે કે મૃતકોના મોત આગની જ્વાળાઓ કરતા ફોર્મ બળવાથી નીકળેલા અતિશય ઝેરી ધુમાડાના કારણે થયા છે. બંધ મકાનમાં ગૂંગળામણ વધતા પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત
ઘટનાની જાણ થતા જ સ્થાનિકોની ભીડ ઉમટી પડી હતી અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. બે લોકોના તો ઘટનાસ્થળે જ શ્વાસ થંભી ગયા હતા, જ્યારે અન્ય ત્રણને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ વિધિની વક્રતા જુઓ કે સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

મૃતકોની યાદી

શહેનાઝ બેગમ અબ્દુલ કલામ અંસારી (65 વર્ષ)

હુસા બેગમ અબ્દુલ કલામ અંસારી (18 વર્ષ)

શુભાન રમઝાન અલી અંસારી (4 વર્ષ – માસૂમ બાળક)

શબીનાં રમઝાન અલી અંસારી (28 વર્ષ)

પરવીન અબ્દુલ કલામ અંસારી (19 વર્ષ)

તંત્રની કાર્યવાહી અને આક્રંદ
આગની જાણ થતા જ લિંબાયત પોલીસ અને ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં બધું જ રાખ થઈ ચૂક્યું હતું. પોતાના વ્હાલસોયા સ્વજનોને ગુમાવનાર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગના ચોક્કસ કારણો જાણવા એફએસએલની મદદ લેવાની તજવીજ હાથ ધરી છે.

આ ઘટનાએ ફરી એકવાર રહેણાંક વિસ્તારોમાં ચાલતા જોખમી વ્યવસાયો અને ફાયર સેફ્ટીના અભાવ સામે લાલબત્તી ધરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!