શેરબજારમાં મોટું કૌભાંડ: બિસ્કિટ-સાબુ વેચનારો નીકળ્યો રિસર્ચ એનાલિસ્ટ! સત્ય જાણીને SEBI પણ ચોંકી ગયું

મદુરાઈમાં 100 ફૂટની દુકાનમાં કરિયાણું વેચતો શખ્સ કાગળ પર શેરબજારનો મહારથી બની ગયો! જાણો સેબીએ કેવી રીતે પર્દાફાશ કર્યો આ અનોખા કૌભાંડનો અને રોકાણકારોને શું ચેતવણી આપી.

તમિલનાડુ, બુધવાર
શેરબજારમાં દરરોજ ઉતાર-ચઢાવ આવતા રહે છે, પરંતુ તાજેતરમાં માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) સામે એક એવો કિસ્સો આવ્યો છે જેણે સૌને અચંબામાં મૂકી દીધા છે. સામાન્ય રીતે શેરબજારની સલાહ આપનારા લોકો મોટા ભણેલા-ગણેલા અને આર્થિક બાબતોના જાણકાર હોય છે, પરંતુ અહીં તો એક કરિયાણાવાળો ભાઈ રિસર્ચ એનાલિસ્ટ બનીને બેઠો હતો!

તમિલનાડુના મદુરાઈમાં માત્ર 100 સ્ક્વેર ફૂટની નાનકડી દુકાન ચલાવતા અને બિસ્કિટ-સાબુ વેચતા પુરુસ ખાન નામના વ્યક્તિ પાસે સેબીનું રજિસ્ટ્રેશન હતું. જ્યારે આ વાતનો ભાંડો ફૂટ્યો ત્યારે ખુદ સેબીના અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા હતા.

કેવી રીતે ફૂટ્યો ભાંડો?
આ સમગ્ર કૌભાંડની શરૂઆત વર્ષ 2022માં થઈ હતી. સેબીના SCORES પોર્ટલ પર એક જાગૃત રોકાણકારે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, www.optionresearch.in નામની એક વેબસાઈટ લોકોને શ્યોર શોટ ટિપ્સ આપતી હતી અને પૈસા ડબલ કરી આપવાની લાલચ આપતી હતી.

એક રોકાણકારે આ વેબસાઈટની વાતોમાં આવીને 50,000 રૂપિયાની ફી ભરીને સર્વિસ લીધી હતી. જોકે, નફો થવાને બદલે તેને 4 લાખ રૂપિયાનું મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. જ્યારે સેબીએ આ બાબતે તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે વેબસાઈટ પર જે રજિસ્ટ્રેશન નંબર હતો, તે પુરુસ ખાનના નામે હતો.

બિસ્કિટ વેચનારને શેરબજારનો ક પણ ખબર નહોતી
આ તપાસ દરમિયાન જ્યારે સેબીના અધિકારી સંતોષ કુમાર શુક્લાએ વર્ચ્યુઅલ (ઓનલાઇન) સુનાવણી કરી, ત્યારે તેઓ ચોંકી ગયા હતા. જે વ્યક્તિ કાગળ પર એક્સપર્ટ હતો, તેને તો શેરબજાર વિશે કશું જ જ્ઞાન નહોતું! તે બિચારો તો પોતાની નાનકડી દુકાનમાં તેલ, સાબુ અને બિસ્કિટ વેચવાનું કામ કરતો હતો.

ફ્રોડ કેવી રીતે થયું? – બેંક કર્મચારી બનીને છેતર્યા
જ્યારે પુરુસ ખાનની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે એક અલગ જ કહાની સંભળાવી. તેણે જણાવ્યું કે, ઓપ્શન રિસર્ચ કંપની (ORC) ના પાર્ટનર જી. ફહીથ અલીએ તેની સાથે દગો કર્યો છે. અલીએ ખોટી ઓળખ આપી હતી કે તે બેંક કર્મચારી છે અને પુરુસ ખાનને નોકરી અપાવવાની લાલચ આપી હતી.

નોકરીના બહાને અલીએ પુરુસ ખાન પાસેથી તેના તમામ અસલ દસ્તાવેજો અને સર્ટિફિકેટ્સ લઈ લીધા હતા. બાદમાં આ જ દસ્તાવેજોનો ઉપયોગ કરીને ખાનના નામે રિસર્ચ એનાલિસ્ટનું રજિસ્ટ્રેશન કરાવી લીધું અને નિર્દોષ રોકાણકારો સાથે લાખોની છેતરપિંડી આચરી હતી.

સેબીની લાલ આંખ: દંડ અને પ્રતિબંધ
ભલે પુરુસ ખાનનો ઉપયોગ થયો હોય, પરંતુ સેબીએ નોંધ્યું કે તેણે પોતાની અંગત વિગતો અને આઈડી-પાસવર્ડ બીજાને આપીને બેદરકારી દાખવી હતી. અગાઉ તેને શંકાનો લાભ મળ્યો હતો, પરંતુ આ વખતે સેબીએ કડક વલણ અપનાવ્યું છે.

સેબીએ તાત્કાલિક અસરથી પુરુસ ખાનનું રજિસ્ટ્રેશન રદ કરી દીધું છે. આ ઉપરાંત સંબંધિત સંસ્થાઓને 6-6 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપીઓને રોકાણકારોના 30.39 લાખ રૂપિયા રિફંડ કરવાનો આદેશ આપ્યો છે. આવનારા 2 વર્ષ માટે તેમને શેરબજારમાં કોઈપણ પ્રકારના વ્યવહાર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

રોકાણકારો માટે શીખ
આ કિસ્સો દરેક રોકાણકાર માટે ચેતવણી સમાન છે. માર્કેટમાં મળતી કોઈપણ ટિપ્સ પર આંધળો વિશ્વાસ ન કરવો. સામેવાળી વ્યક્તિ માત્ર સેબી રજિસ્ટર્ડ છે તેટલું જ પૂરતું નથી, તેની વિશ્વસનીયતા અને ઇતિહાસ તપાસવો પણ ખૂબ જ જરૂરી છે. લાલચમાં આવીને તમારી મહેનતની મૂડી કોઈ અજાણ્યાના હાથમાં સોંપતા પહેલા સો વાર વિચાર કરવો જોઈએ.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!