મેપમાયઇન્ડિયાની Mappls એપમાં હવે પબ્લિક ટ્રાન્સપોર્ટની માહિતી મળશે. ગૂગલ મેપ્સને ટક્કર આપવા બસ, ટ્રેન અને મેટ્રોના રૂટ ઉમેરાયા. જાણો કયા શહેરોમાં આ સુવિધા શરૂ થઈ છે અને એન્ડ્રોઇડ યુઝર્સને ક્યારે મળશે.

અમદાવાદ, બુધવાર
ભારતમાં નેવિગેશન માટે મોટાભાગના લોકો ગૂગલ મેપ્સનો ઉપયોગ કરે છે, પરંતુ હવે દેશી નેવિગેશન એપ ‘મેપલ્સ’ (Mappls) તેને જોરદાર ટક્કર આપવાની તૈયારીમાં છે. મેપમાયઇન્ડિયા (MapmyIndia) દ્વારા સંચાલિત Mappls એપમાં એક મેજર અપડેટ આપવામાં આવ્યું છે, જે સામાન્ય મુસાફરો માટે ખૂબ જ કામનું સાબિત થઈ શકે છે.
પબ્લિક ટ્રાન્સપોર્ટની માહિતી હવે એક જ જગ્યાએ
Mappls એપના લેટેસ્ટ અપડેટમાં સૌથી મોટું આકર્ષણ ‘પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇન્ફોર્મેશન’ છે. અત્યાર સુધી ગૂગલ મેપ્સમાં આ ફીચર હતું, પરંતુ મેપલ્સના યુઝર્સ તેનાથી વંચિત હતા. હવે આ નવી અપડેટ સાથે મેપલ્સમાં પણ મેટ્રો, રેલવે અને બસના રૂટની માહિતી ઉમેરવામાં આવી છે. આ ફીચર ખાસ કરીને એવા લોકો માટે ખૂબ ઉપયોગી છે જેઓ પોતાની દૈનિક મુસાફરીમાં અલગ-અલગ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે.
અલગ-અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ઝંઝટ ખતમ
આ નવા ફીચરનો સૌથી મોટો ફાયદો એ છે કે મુસાફરોએ હવે રૂટ જાણવા માટે અલગ-અલગ એપ્લિકેશનનો સહારો નહીં લેવો પડે. મેપલ્સમાં જ હવે પબ્લિક ટ્રાન્સપોર્ટના રૂટ, નજીકના સ્ટેશન, બસ સ્ટોપ્સ અને અન્ય જરૂરી વિગતો જોવા મળશે.
મુસાફરો એક જ એપ દ્વારા પોતાની આખી મુસાફરી પ્લાન કરી શકશે. હાલમાં આ સુવિધા ચંદીગઢ, પુણે, કોલકાતા અને અન્ય પસંદગીના શહેરોમાં લાઈવ થઈ ગઈ છે અને ધીમે-ધીમે સમગ્ર ભારતમાં તેનો વ્યાપ વધારવામાં આવશે.
ટ્રાફિક ઘટાડવાનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારવાનો હેતુ
મેપલ્સ એપમાં માત્ર રૂટ જ નહીં, પરંતુ ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, રિયલ-ટાઇમ ટ્રાફિક અપડેટ્સ, સેફ્ટી એલર્ટ અને ઇન્ટેલિજન્ટ રૂટ જેવા ફીચર્સ પણ સામેલ છે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સચોટ માહિતી આપીને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવાનો છે. જો વધુ લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરશે, તો મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થવાની શક્યતા છે. અત્યારે આ નવું ફીચર એપલ (iOS) યુઝર્સ અને વેબસાઇટ પર ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડ યુઝર્સ માટે પણ આ અપડેટ બહુ જલ્દી રિલીઝ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
Mapplsનો ભવિષ્યનો પ્લાન
ભારતીય નેવિગેશન સિસ્ટમ તરીકે મેપલ્સ ખૂબ જ મજબૂત પ્લેટફોર્મ બની રહ્યું છે અને હાલમાં તેના 40 મિલિયનથી પણ વધુ યુઝર્સ છે. ગૂગલને સીધી ટક્કર આપવા માટે કંપની ટ્રાન્સપોર્ટ ઓથોરિટી સાથે મળીને કામ કરી રહી છે, જેથી યુઝર્સને એકદમ સચોટ માહિતી મળી શકે. ઉલ્લેખનીય છે કે, ઘણી જાણીતી બાઇક કંપનીઓ પણ હવે તેમના વાહનોમાં નેવિગેશન માટે મેપલ્સનો જ ઉપયોગ કરી રહી છે.











