કર્ણાટક રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (KSPCB) એ મંગળવારે બિગ બોસ કન્નડનું આયોજન કરનારા સ્ટુડિયો સંકુલને તાત્કાલિક બંધ કરવા અને સીલ કરવાનો આદેશ આપ્યો છે

ગંભીર પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘનનો હવાલો આપીને, કર્ણાટક રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (KSPCB) એ મંગળવારે બિગ બોસ કન્નડનું આયોજન કરનારા સ્ટુડિયો સંકુલને તાત્કાલિક બંધ કરવા અને સીલ કરવાનો આદેશ આપ્યો છે. આદેશ બાદ હોસ્ટ કિચ્ચા સુદીપના આ શોમાંથી સ્પર્ધકોને બહાર કાઢવામાં આવશે.
આ આદેશ બિગ બોસ કન્નડની સીઝન 12ના તાજેતરના લોન્ચિંગ પછી આવ્યો છે. KSPCB એ પોલીસને એકમને જપ્ત કરવા અને બેંગ્લોર ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની લિમિટેડ (BESCOM)ને પરિસરની વીજળી કાપી નાખવાનો પણ નિર્દેશ આપ્યો છે.
બોર્ડે જાહેર કરેલા નોટિસમાં જણાવ્યું હતું કે, વેલ્સ સ્ટુડિયોઝ એન્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (જૉલી વુડ સ્ટુડિયોઝ) દ્વારા મોટા પાયે મનોરંજન અને સ્ટુડિયો સંચાલન કરવામાં આવી રહ્યું હતું, પરંતુ જળ (પ્રદૂષણ નિવારણ) અધિનિયમ, 1974 અને વાયુ (પ્રદૂષણ નિવારણ) અધિનિયમ, 1981 હેઠળ જરૂરી સંમતિઓ લેવામાં આવી નહોતી.
સ્ટુડિયો સીલ થયા બાદ કલર્સ કન્નડ એ ટ્વીટ કરીને દર્શકોની માફી માંગી હતી અને જણાવ્યું હતું કે અણધાર્યા કારણોસર આજના એપિસોડના પ્રસારણ સમયમાં વિક્ષેપ થયો છે, પરંતુ એપિસોડ હવે જિયો સિનેમા પર ઉપલબ્ધ છે. બિદાડીમાં વર્ષોથી શૂટ થતા આ લોકપ્રિય શોના 12માં સીઝનનું ભવિષ્ય હવે અનિશ્ચિત બની ગયું છે.











