આ ભયાવહ અકસ્માતનો ધડાકો સાંભળીને આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ તાત્કાલિક કાર ચાલક વત્સલ કરિયાને ઝડપી લીધો હતો અને રોષે ભરાઈને તેને મેથીપાક ચખાડ્યો હતો.

ગાંધીનગર, ગુરુવાર
ગાંધીનગરમાં અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આજે વહેલી સવારે સરગાસણના TP-9 વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં એક ઝડપી BMW કારે મોપેડ પર જઈ રહેલા 69 વર્ષીય વૃદ્ધ મુકુલરાજમોહન રામેશ્વરપ્રસાદ મિશ્રાનો ભોગ લીધો હતો. આ ગંભીર અકસ્માતમાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ BMW કાર રોડ સાઈડમાં એક ઝાડ સાથે અથડાઈ હતી અને તેની તમામ એરબેગ્સ પણ ખુલી ગઈ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, મુકુલરાજમોહન મિશ્રા દૂધ લેવા માટે તેમના મોપેડ પર નીકળ્યા હતા. સરગાસણ સ્થિત પ્રમુખ એસોસિએશનના F-304માં રહેતા મિશ્રા અનિર્દેશ બંગ્લોઝ પાસે રોડ પર વળાંક લઈ રહ્યા હતા, ત્યારે રાજકોટના વત્સલ દીપકભાઈ કરિયા દ્વારા બેદરકારીપૂર્વક અને પૂરઝડપે ચલાવાઈ રહેલી BMW કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાવહ હતી કે મુકુલરાજમોહન આશરે 20 ફૂટ જેટલા દૂર ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું.

આ ભયાવહ અકસ્માતનો ધડાકો સાંભળીને આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ તાત્કાલિક કાર ચાલક વત્સલ કરિયાને ઝડપી લીધો હતો અને રોષે ભરાઈને તેને મેથીપાક ચખાડ્યો હતો. અડાલજ પોલીસને જાણ થતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતકના પુત્ર ભરતમોહનની ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક વત્સલ કરિયાની ધરપકડ કરી હતી. વત્સલ કરિયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે અને સરગાસણ ખાતે આવેલા તેના સસરાના ઘરે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ચાલક નશામાં હોવાની આશંકા, બ્લડ સેમ્પલ FSL મોકલાયા
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કાર ચાલક વત્સલ કરિયા નશાની હાલતમાં હોવાની આશંકા હતી. આ ફરિયાદને પગલે પોલીસે વત્સલ કરિયાના બ્લડ સેમ્પલ લીધા છે અને તેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ નશા અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે.











