દહેગામમાં ‘લાવો અંતરમાં અંતરિક્ષજી’ કાર્યક્રમ યોજાયો, પ્રાચીન જૈન વારસાના જતનનો અપાયો સંદેશ

પાર્શ્વનાથ ભગવાનના મોક્ષ કલ્યાણક નિમિત્તે જૈન સમાજ હોલ ખાતે કાર્યક્રમ, પૂજ્ય આચાર્ય શ્રી મૃદુરત્ન સાગર સુરીશ્વરજીની નિશ્રામાં શ્રાવકો જોડાયા : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત દહેગામના વિરાજ શાહે ભાવધારાથી શ્રોતાઓને જોડ્યા; અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થના પ્રાચીન ઇતિહાસ અને જતનના મહત્ત્વ પર પ્રકાશ પડાયો

દહેગામ, શુક્રવાર : પૂર્વજો આપણને જે ઐતિહાસિક અને ધાર્મિક વારસો આપીને ગયા છે, તેનું જતન કરવું આજની યુવા પેઢીની પણ મહત્વની જવાબદારી છે. આ જ સંદેશ સાથે પાર્શ્વનાથ ભગવાનના મોક્ષ કલ્યાણક નિમિત્તે દહેગામના જૈન સમાજ હોલ ખાતે ‘લાવો અંતરમાં અંતરિક્ષજી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાગડ વિભૂષણ પૂજ્ય આચાર્ય શ્રી મૃદુરત્ન સાગર સુરીશ્વરજીની નિશ્રામાં યોજાયેલા આ કાર્યક્રમમાં દહેગામ નગરમાં જન્મેલા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરનાર વિરાજ શાહે પોતાની ભાવધારા દ્વારા ઉપસ્થિત શ્રાવકોને અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થના ઇતિહાસ અને મહિમા સાથે જોડ્યા હતા.

આ પ્રસંગે પૂજ્ય આચાર્ય શ્રીએ પ્રાચીન તીર્થોના જીર્ણોદ્ધાર અને ઐતિહાસિક વારસાના જતન પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પ્રાચીન તીર્થો અને ધાર્મિક વારસાને સાચવી રાખવો અત્યંત જરૂરી છે. પ્રભુ પાર્શ્વનાથના અનેક તીર્થો પૈકી કેટલાક તીર્થો અત્યંત પ્રાચીન અને પ્રભાવક હોવાનું તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થના વિશિષ્ટ ઇતિહાસ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. તીર્થને બચાવવા માટે ભૂતકાળમાં અનેક લોકોએ બલિદાન આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે જ અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની વિશેષતા અંગે જણાવાયું હતું કે આ પ્રતિમા જમીનથી એક આંગળ જેટલી અધ્ધર હોવાનું માનવામાં આવે છે, જ્યારે અગાઉ પ્રતિમા જમીનથી આશરે સાત ફૂટ ઉપર હોવાનું પણ જણાવાયું હતું.

આ પ્રસંગે દહેગામ રત્ન મુનિશ્રી પવિત્ર રત્ન સાગરજીએ સંઘની એકતા અને શાસન પ્રત્યેની આસ્થાનો સંદેશ આપતાં જણાવ્યું હતું કે, “સંઘ કે શાસનને તોડવું એ મહાપાપ છે અને સંઘની નિંદા ક્યારેય ન કરવી જોઈએ.” સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રાચીન જૈન તીર્થો, ધાર્મિક વારસો અને સંસ્કૃતિના સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રાવકોએ ભાવપૂર્વક ભાગ લઈ અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુના મહિમા અને ઇતિહાસ વિશે જાણકારી મેળવી હતી.

MITUFAB SOLANKI
Author: MITUFAB SOLANKI

Leave a Comment

Read More

error: Content is protected !!