દેશનું બજેટ 2026 રવિવારે રજૂ થઈને નવો ઈતિહાસ રચશે. 28 જાન્યુઆરીથી શરૂ થતા સત્ર પહેલા સરકારે બોલાવી ખાસ બેઠક. જાણો બજેટની તારીખો અને મધ્યમ વર્ગ માટેની આશાઓ વિશે વિગતે.

નવી દિલ્હી, રવિવાર
દેશના અર્થતંત્ર માટે જેની આતુરતાથી રાહ જોવાતી હોય છે, તેવા બજેટ સત્રના ભણકારા વાગી ચૂક્યા છે. Budget 2026 માટેની તૈયારીઓ હવે તેના અંતિમ તબક્કામાં છે. સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે, પરંતુ તે પહેલાં જ સરકાર ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે.
આ સત્રને સુચારુ રીતે ચલાવવા અને સરકારની રણનીતિ નક્કી કરવા માટે કેન્દ્ર સરકારે 27 જાન્યુઆરીએ એક મહત્વની સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક સવારે 11 વાગ્યે સંસદ ભવનમાં યોજાશે, જેની અધ્યક્ષતા સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ કરશે.
26 વર્ષ જૂનો ઈતિહાસ ફરી રચાશે: રવિવારે આવશે બજેટ
આ વખતનું બજેટ અનેક રીતે ખાસ રહેવાનું છે. સામાન્ય રીતે બજેટ કામકાજના દિવસોમાં રજૂ થતું હોય છે, પરંતુ આ વખતે 1 ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં, પરંપરા જાળવી રાખીને તે જ દિવસે બજેટ રજૂ કરવામાં આવશે. ભારતીય સંસદના ઈતિહાસમાં પૂરા 26 વર્ષ બાદ આવું બની રહ્યું છે કે રજાના દિવસે એટલે કે રવિવારે બજેટ રજૂ થશે. છેલ્લે વર્ષ 1999માં તત્કાલીન નાણામંત્રી યશવંત સિંહાએ રવિવારે બજેટ રજૂ કરીને ઈતિહાસ રચ્યો હતો. નવાઈની વાત એ છે કે, રવિવાર હોવા છતાં બજેટના દિવસે શેરબજાર ચાલુ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે.
નિર્મલા સીતારમણ બનાવશે નવો રેકોર્ડ
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ માટે પણ આ બજેટ અંગત સિદ્ધિ સમાન છે. તેઓ 1 ફેબ્રુઆરીએ સતત 9મી વખત દેશનું બજેટ સંસદમાં રજૂ કરશે. આ સાથે જ તેઓ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના રેકોર્ડની બરાબરી કરશે. જોકે, દેશમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ હજુ પણ મોરારજી દેસાઈના નામે છે, જેમણે કુલ 10 વખત બજેટ રજૂ કર્યું હતું.
બજેટ સત્રનું ટાઈમટેબલ
જો તમે બજેટ સત્રની તારીખો નોંધી રાખવા માગતા હો, તો નીચે મુજબનું શિડ્યુલ ખાસ જાણી લો:
27 જાન્યુઆરી: સત્ર પહેલા સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક.
28 જાન્યુઆરી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે બજેટ સત્રનો પ્રારંભ.
29 જાન્યુઆરી: સંસદમાં આર્થિક સર્વેક્ષણ (Economic Survey) રજૂ કરાશે.
01 ફેબ્રુઆરી: નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ 2026 રજૂ થશે.
13 ફેબ્રુઆરી: બજેટ સત્રના પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિ.
09 માર્ચ: સત્રના બીજા તબક્કાની શરૂઆત.
02 એપ્રિલ: બજેટ સત્રનું સમાપન.
મહત્વના બિલ અને મધ્યમ વર્ગની આશા
સત્ર દરમિયાન 28 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં ‘શૂન્યકાળ’ (Zero Hour) રહેશે નહીં. સરકાર આ સત્રમાં કેટલાક પેન્ડિંગ બિલો પર પણ ચર્ચા કરી શકે છે. હાલ લોકસભામાં 9 જેટલા મહત્વના વિધેયકો પેન્ડિંગ છે, જેમાં ‘વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન બિલ 2025’ અને ‘સિક્યોરિટીઝ માર્કેટ કોડ 2025’ નો સમાવેશ થાય છે. આ બિલો હાલ કમિટીની તપાસ હેઠળ છે. બીજી તરફ, સામાન્ય જનતા અને ખાસ કરીને મધ્યમ વર્ગ (Middle Class) આ બજેટ પર મીટ માંડીને બેઠો છે. લોકો આશા રાખી રહ્યા છે કે સરકાર આ વખતે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરીને મોટી રાહત આપે અને મોંઘવારી સામે રક્ષણ પૂરું પાડે.











