ગાંધીનગર સેક્ટર-24માં સ્માર્ટ સિટીના કામમાં ભ્રષ્ટાચાર? ગટરના કામમાં હલકી પાઈપો વપરાતા સ્થાનિકો રસ્તા પર

ગાંધીનગરના સેક્ટર-24માં સ્માર્ટ સિટીના નામે ચાલતા કામમાં મોટા ભ્રષ્ટાચારના આક્ષેપ. નબળી ગુણવત્તાની પાઈપલાઈન અને ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ કામ અટકાવ્યું. જાણો વિગતવાર.

ગાંધીનગર, રવિવાર
એક તરફ સરકાર અને તંત્ર ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવાની મોટી-મોટી વાતો કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ જમીની હકીકત કંઈક અલગ જ છે. ગાંધીનગરના સેક્ટર-24માં આવેલી આદર્શનગર સોસાયટીના રહીશો હાલ નરક સમાન જીવન જીવવા મજબૂર બન્યા છે. અહીં ચાલી રહેલા ગટર અને પાણીની લાઈનના કામમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરીને સ્થાનિકોએ હવે ખુલ્લો મોરચો માંડ્યો છે.

સ્માર્ટ સિટીના નામે હલકી ગુણવત્તાનું કામ?
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેક્ટર-24માં ગટર અને પાણીની લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ આદર્શનગર સોસાયટીના રહીશોનો આરોપ છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા વાપરવામાં આવી રહેલી પાઈપલાઈન સાવ હલકી ગુણવત્તાની છે. સ્થાનિકોને ડર છે કે જો આવી નબળી પાઈપો નાખવામાં આવશે, તો ભવિષ્યમાં તે તૂટી જશે અને ગટરનું ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી જશે. આ પહેલાં પણ શહેરમાં દૂષિત પાણીને કારણે ટાઈફોઈડ જેવા રોગચાળા ફાટી નીકળ્યા હતા, ત્યારે ફરી એ જ ઈતિહાસનું પુનરાવર્તન ન થાય તેની ચિંતા લોકોને સતાવી રહી છે.

મત લીધા પછી કોર્પોરેટરો ગાયબ
સ્થાનિકોમાં તંત્ર સામે જેટલો રોષ છે, તેટલો જ ગુસ્સો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે પણ છે. સ્થાનિક મહિલાઓ અને રહીશોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી વખતે આ નેતાઓ અને કોર્પોરેટરો બે હાથ જોડીને મત માંગવા ઘરે-ઘરે ફરતા હતા. પરંતુ, એકવાર ચૂંટણી જીતી ગયા અને મત મળી ગયા એટલે તેઓ “ભૂગર્ભમાં ઉતરી ગયા” છે. અત્યારે જ્યારે પ્રજા મુશ્કેલીમાં છે, ત્યારે તેમની સમસ્યા સાંભળવાની આ નેતાઓ પાસે ફુરસદ નથી.

રજૂઆતોનું કોઈ પરિણામ નહીં
આદર્શનગર સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ, આ અંગે મહાનગરપાલિકા અને ઉચ્ચ અધિકારીઓને અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી. કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં લોકોને શુદ્ધ પાણી જેવી પાયાની સુવિધા પણ મળતી નથી.

સ્થાનિકોએ કામ અટકાવ્યું, આંદોલનની ચીમકી
સોસાયટીમાં ગંદકી, દબાણ અને બીમારીનું પ્રમાણ વધી રહ્યું હોવાથી હવે લોકોની ધીરજ ખૂટી છે. સોસાયટીના જાગૃત નાગરિકો મેહુલ પટેલ, કોમલબેન રાવલ, વિનુભાઈ ઉપાધ્યાય, રાજુભાઈ રાવલ અને કેયૂરભાઈ રાવલ સહિતના લોકોએ ભેગા મળીને હાલ ચાલી રહેલું કામ અટકાવી દીધું છે.

તેમણે તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કામગીરીની ગુણવત્તા સુધારવામાં નહીં આવે. અને જવાબદાર અધિકારીઓ સ્થળ પર આવીને કાયમી ઉકેલ નહીં લાવે. તો આ કામ ચાલુ કરવા દેવામાં આવશે નહીં અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

હાલ તો સ્માર્ટ સિટીના બણગાં ફૂંકતા તંત્ર સામે સેક્ટર-24ના રહીશોનો રોષ ચરમસીમાએ છે. હવે જોવું રહ્યું કે તંત્ર જાગે છે કે પછી પ્રજાએ આંદોલનનો માર્ગ લેવો પડશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!