ગાંધીનગરમાં પાણીના સંકટે હાહાકાર મચાવ્યો: બે દિવસ પાણી બંધ, ખાનગી ટેન્કરોનો બેફામ ભાવ વધારો

પાણીની અછતનો લાભ ઉઠાવીને ખાનગી ટેન્કર સંચાલકોએ ભાવ બમણા કરી દીધા છે.

ગાંધીનગર, શનિવાર
ગાંધીનગરમાં 24 કલાક પાણી આપવાની મહત્વાકાંક્ષી યોજના હેઠળ ચાલી રહેલી કામગીરીના કારણે શહેરના રહીશોને પાણી વિના બે દિવસ પસાર કરવા પડ્યા છે. શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ માટે પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવતા, નાગરિકોમાં ભારે રોષ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી સદંતર બંધ રહ્યું હતું, જ્યારે શનિવારે ધીમા દબાણથી થોડા પ્રમાણમાં પાણી વિતરણનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પાણી વગર લોકોની હાલત કફોડી, ટેન્કરની અછત
પાણી બંધ રહેવાથી પ્રથમ દિવસે જ ગાંધીનગરમાં પાણી માટે બૂમરાણ મચી ગઈ હતી. મહાનગરપાલિકા દ્વારા ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં, તે પૂરતી ન હોવાથી પરિસ્થિતિ વધુ વણસી હતી. શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીમાં મનપાને પાણીના ટેન્કર માટે 160 ફરિયાદો અને ડિમાન્ડ મળી હતી, પરંતુ તે સમય સુધીમાં માત્ર 7 ટેન્કરો દ્વારા કુલ 40 ફેરા કરીને જ પાણી પહોંચાડી શકાયું હતું. મહાનગરપાલિકા દ્વારા સવારે 8 થી રાત્રે 12 વાગ્યા સુધી ટેન્કરોના ફેરાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે, પરંતુ આ વ્યવસ્થા અપૂરતી સાબિત થઈ રહી છે.

ખાનગી ટેન્કરો દ્વારા બમણા ભાવ વસૂલવામાં આવ્યા
પાણીની અછતનો લાભ ઉઠાવીને ખાનગી ટેન્કર સંચાલકોએ ભાવ બમણા કરી દીધા છે. સામાન્ય દિવસોમાં રૂપિયા 500 થી 600 માં મળતું એક ટ્રેક્ટર પાણી હાલમાં રૂપિયા 1,000 થી 1,200 માં વેચાઈ રહ્યું છે. લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને થતી આ ભાવવધારાની નીતિથી નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

પાણી પુરવઠા બોર્ડ અને પાટનગર યોજના વિભાગ દ્વારા પ્રયાસો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાણી પુરવઠા બોર્ડ દ્વારા શુક્રવારે રાત્રે 10 વાગ્યા આસપાસ પાટનગર યોજના વિભાગને નર્મદાના પાણીનો જથ્થો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પાટનગર યોજના વિભાગ દ્વારા 15 કલાક સુધી બોર ચલાવીને પણ પાણી મેળવવામાં આવ્યું છે. ગાંધીનગરમાં કુલ 85 MLD પાણીની જરૂરિયાત રહે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!