ગાંધીનગર મનપાએ ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ અભિયાન હેઠળ વિવેકાનંદ વસાહતમાં મેગા સફાઈ ઝુંબેશ શરૂ કરી છે. મેયર અને કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ આ ડ્રાઈવમાં જોડાયા છે.

ગાંધીનગર, મંગળવાર
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ કેમ્પેઈન અંતર્ગત સેક્ટર-25 GIDC પાસે આવેલી વિવેકાનંદ વસાહતમાં એક મેગા સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ખાસ ડ્રાઈવમાં મેયર મીરાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ અને મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલા જેવા ઉચ્ચ અધિકારીઓ પણ જાતે મેદાનમાં ઉતર્યા છે.
આ સફાઈ અભિયાન આગામી ૩ દિવસ સુધી ચાલશે અને તેનો મુખ્ય હેતુ વસાહતને એક આદર્શ સ્વચ્છ વસાહત (મોડેલ ક્લીન કોલોની) બનાવવાનો છે.

મોટી માત્રામાં કચરાનો નિકાલ
આ ઓપરેશન માટે 3 જેસીબી, 3 ટ્રેક્ટર અને 1 રોટોવેટર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વસાહતના ધાબા, ખુલ્લા મેદાનો અને સીડીઓમાંથી મોટા પ્રમાણમાં ભંગાર અને કચરો કાઢવામાં આવી રહ્યો છે. બાગાયત વિભાગની ટીમે લીમડા, બોરસલી, સરગવો, જાંબુ અને કેશીયા જેવા ઝૂકેલા અને જોખમી વૃક્ષોનું પ્રોપર ટ્રીમિંગ કર્યું છે. આ સાથે એસ્ટેટ વિભાગની 50 કર્મચારીઓની ટીમે 5 ઓટલા અને 7 શેડ પણ હટાવ્યા છે, જે ગેરકાયદેસર બાંધકામનો ભાગ હતા.
સ્વચ્છતા એ સામૂહિક જવાબદારી
આ ડ્રાઈવ દરમિયાન અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી અને સ્વચ્છતા જાળવવાની જવાબદારી પર ભાર મૂક્યો. તેમણે સમજાવ્યું કે સ્વચ્છતા એ ફક્ત મનપાની જ નહીં, પરંતુ દરેક નાગરિકની પણ સામૂહિક જવાબદારી છે. દરેક વ્યક્તિએ પોતાના ઘર અને આજુબાજુના વિસ્તારને સાફ રાખવા પ્રયત્ન કરવો જોઈએ.











