ગાંધીનગરના જીવતા ખેડૂતને મૃત બતાવી કરોડોની જમીન પચાવવાનું ષડયંત્ર, 8 લોકો સામે ગુનો નોંધાયો

ગાંધીનગરના ખોડીયાર ગામના 61 વર્ષીય ખેડૂતને ખોટા મરણના દાખલા અને દસ્તાવેજોથી મૃત જાહેર કરીને તેમની કરોડોની વડીલોપાર્જિત જમીન પચાવી પાડવાનું ષડયંત્ર સામે આવ્યું છે. અડાલજ પોલીસે 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જાણો આખો મામલો.

ગાંધીનગર, મંગળવાર
ગાંધીનગર નજીક આવેલા ખોડીયાર ગામની સીમમાં એક ચોંકાવનારો જમીન હડપવાનો મામલો સામે આવ્યો છે. અહીં 61 વર્ષના એક ખેડૂત ડાહ્યાજી બાદરજી ઠાકોર જીવતા હોવા છતાં, તેમને મૃત બતાવીને તેમની કરોડો રૂપિયાની કિંમતની વડીલોપાર્જિત જમીન પચાવી પાડવાનું મોટું ષડયંત્ર રચાયું હતું. આ ગંભીર કૌભાંડમાં અડાલજ પોલીસે કુલ 8 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

જીવતા ખેડૂતને મૃત જાહેર કરાયા
આ સમગ્ર મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ફરિયાદી ડાહ્યાજી ઠાકોરે 20/1/2024ના રોજ ન્યૂઝ પેપરમાં પોતાની જમીન બાબતે એક જાહેર ચેતવણીની નોટિસ વાંચી. આ નોટિસમાં તેમનો ઉલ્લેખ મૃતક તરીકે કરવામાં આવ્યો હતો. આ વાંચીને તેઓ ચોંકી ઉઠ્યા, કારણ કે તેઓ સંપૂર્ણપણે હયાત હતા. એટલું જ નહીં, નોટિસમાં તેમને કોકીલાબેન નામની દીકરી છે એવો પણ ઉલ્લેખ હતો, જે વાત પણ ખોટી હતી.

તેમણે તુરંત અમદાવાદ કચેરીમાંથી રેવન્યુ રેકર્ડ કઢાવ્યા, ત્યારે જાણવા મળ્યું કે, જશુભાઈ ડાહ્યાજી ઠાકોર નામના વ્યક્તિએ અરજી કરીને ડાહ્યાજી ઠાકોરનું મૃત્યુ 19/1/2015ના રોજ થયું હોવાનું દર્શાવી, તેમના વારસદાર તરીકે શકરીબેન (પત્ની), લક્ષ્મીબેન (પુત્રી) અને જશુભાઈ (પુત્ર)ના નામ દાખલ કરાવ્યા હતા.

ખોટા દસ્તાવેજોનો ઉપયોગ
આ વારસાઈ નોંધ દાખલ કરાવવા માટે તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલનો ડાહ્યાજી ઠાકોરના નામનો ખોટો મરણનો દાખલો, ગ્રામ પંચાયતનો ખોટો પેઢીનામો, સોગંદનામું અને પંચનામું જેવા નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ ખોટી વારસાઈ નોંધના આધારે, 0-34-40 હે.આરે.ચો.મી. જમીનના હિસ્સાનો બાનાખત કરાર 6 ડિસેમ્બર, 2023ના રોજ નોંધાયો હતો. આ કરારમાં ખોટા વારસદારો સાથે મળીને ડાહ્યાજી ઠાકોરના ભાઈના મળતા આવતા નામવાળા એક વ્યક્તિ અને અન્ય લોકોએ રાજકોટના એક વ્યક્તિને આ જમીન 91 લાખમાં વેચાણ આપવાનું નક્કી કર્યું હતું.

કલેક્ટર તપાસ બાદ ગુનો દાખલ
પોતે જીવતા હોવા છતાં મૃત જાહેર કરીને જમીન પચાવી પાડવાના આ ષડયંત્ર અંગે વૃદ્ધ ખેડૂત ડાહ્યાજી ઠાકોરે કલેક્ટર સીટ સમક્ષ ફરિયાદ કરી હતી. કલેક્ટરની તપાસના અંતે, આ સમગ્ર કૌભાંડમાં ખોટા દસ્તાવેજોનો ઉપયોગ થયો હોવાના સ્પષ્ટ પુરાવા મળ્યા હતા.

આ પુરાવાઓના આધારે, અડાલજ પોલીસે મુખ્ય આરોપીઓ જશુભાઈ ડાહ્યાજી ઠાકોર, શકરીબેન ડાહ્યાજી ઠાકોર, લક્ષ્મીબેન ડાહ્યાજી ઠાકોર સહિત અન્ય પાંચ વ્યક્તિઓ – હરીશકુમાર ચૌહાણ, મુકેશસિંહ ઝાલા, દિલીપસિંહ ઝાલા, કિરણજી ઝાલા અને ખરીદનાર બિન્દ્રા રાજેશભાઈ ચોટાઈ – એમ કુલ 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધીને કડક કાર્યવાહી શરૂ કરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!