ચોક્કસ બાતમીના આધારે S.O.Gની ટીમે મોહનજી મકવાણાના ઘરે દરોડો પાડ્યો હતો. આ અંગે દહેગામ ડિવિઝન એસીપી આયુષ જૈને વધુ વિગતો આપતા જણાવ્યું કે, આરોપી પાસેથી કુલ 94,430 રૂપિયાની કિંમતનો 9.413 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.

ગાંધીનગર, રવિવાર
ગાંધીનગર જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર સામે પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. ચિલોડા વિસ્તારના દોલારાણા વાસણામાંથી 59 વર્ષીય એક વૃદ્ધને તેના ઘરમાંથી 9.413 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાળા કારોબાર પર પોલીસની આ તવાઈથી નશાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
શું છે સમગ્ર મામલો?
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પકડાયેલા આરોપીનું નામ મોહનજી મંગાજી મકવાણા છે. તેની ઉંમર 59 વર્ષ છે અને તે હરીપુરા બોરીયા, પ્રાથમિક શાળાની બાજુમાં આવેલા દોલારાણા વાસણામાં રહે છે. આરોપી પોતાના રહેણાંક મકાનમાં જ ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.
પોલીસની સક્રિયતા અને સફળતા
ગાંધીનગર રેન્જ ડી.આઈ.જી.પી. વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીએ જિલ્લામાં નશીલા પદાર્થોના વેપારને ડામવા માટે SOGને ખાસ સૂચનાઓ આપી હતી. પોલીસ ઈન્સપેક્ટર વી.ડી.વાળાના માર્ગદર્શન હેઠળ S.O.G. પોલીસ ટીમ સતત આ દિશામાં સક્રિય હતી.
ચોક્કસ બાતમીના આધારે S.O.Gની ટીમે મોહનજી મકવાણાના ઘરે દરોડો પાડ્યો હતો. આ અંગે દહેગામ ડિવિઝન એસીપી આયુષ જૈને વધુ વિગતો આપતા જણાવ્યું કે, આરોપી પાસેથી કુલ 94,430 રૂપિયાની કિંમતનો 9.413 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 5,000 રૂપિયાની કિંમતનો વીવો કંપનીનો Y21 મોડલનો મોબાઈલ ફોન અને 1,200 રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી છે. આમ, પોલીસે કુલ 1,00,630 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગુનો નોંધાયો
આ મામલે ચિલોડા પોલીસ સ્ટેશનમાં આરોપી મોહનજી મંગાજી મકવાણા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને કોઈપણ પ્રકારના પાસ-પરમિટ વગર વનસ્પતિજન્ય માદક પદાર્થ રાખવા અને તેનું વેચાણ કરવાના આરોપમાં પકડ્યો છે. આ કિસ્સામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ, તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ ઓપરેશનથી ગાંધીનગર પોલીસે નશાના કારોબારીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં.











