અમદાવાદ-મહેસાણા હાઈવે પર ભયાવહ અકસ્માત, પિતા-પુત્રને ટક્કર મારી કાર ચાલક ફરાર

અકસ્માત બાદ તરત જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ મારફતે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક કલોલ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

અમદાવાદ, રવિવાર
અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હોટલ રિપોઝ નજીક હાઈવે ક્રોસ કરી રહેલા પિતા-પુત્રને પુરપાટ ઝડપે આવી રહેલી એક કારે ટક્કર મારતા બંને ગંભીર રીતે ઘવાયા હતા. આ અકસ્માતમાં પિતાની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક વાહન છોડી ફરાર થઈ ગયો હતો.

અકસ્માતની વિગતો
મળતી માહિતી મુજબ ગઈકાલે મોડી સાંજે વિજયભાઈ રાઠોડ અને તેમનો પુત્ર માનવ બિલેશ્વરપુરા ગામ નજીક હાઈવે ક્રોસ કરી રહ્યા હતા. તે જ સમયે, અમદાવાદથી મહેસાણા તરફ જઈ રહેલી RJ 60 CB 2928 નંબરની એક કારના ચાલકે બેફામ ગતિએ અને બેદરકારીપૂર્વક વાહન હંકારી પિતા-પુત્રને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સારવાર અને પોલીસ કાર્યવાહી
અકસ્માત બાદ તરત જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ મારફતે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક કલોલ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. ડોકટરો દ્વારા વિજયભાઈની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું છે.

આ ઘટના અંગે મહેશભાઈ રમણભાઈ નાડીયાએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માત સર્જીને વાહન છોડી ફરાર થઈ ગયેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે ફરાર કાર ચાલકને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર વારંવાર બનતા આવા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!