દહેગામના ધમીજ ગામની સીમમાં રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન પોલીસે દરોડો પાડી ૫ જુગારીઓને ઝડપી લીધા છે, જ્યારે ૩ ફરાર થવામાં સફળ રહ્યા છે.

ગાંધીનગર જિલ્લાની દહેગામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન દહેગામ-ધમીજ રોડ પર આવેલ તારાના છાપરા સામે અને મુસ્તાકભાઈ ચૌહાણના બોરકુવા નજીકના ખુલ્લા ખેતરમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પંચો અને સ્ટાફના માણસોને સાથે રાખી યોજનાબદ્ધ રીતે દરોડો પાડ્યો હતો.
જુગારધામ પર દરોડો અને મુદ્દામાલ જપ્ત
પોલીસ ટીમને અચાનક સામે જોઈને જુગાર રમી રહેલા ઈસમોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી પાંચ શખ્સોને ઘેરીને ઝડપી લીધા હતા. તેમની અંગઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપિયા ૨,૭૦૦, અંગઝડતીના રૂપિયા ૧૬,૫૦૦ અને ગંજીપાના મળીને કુલ રૂપિયા ૧૯,૨૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓ
પોલીસના હાથે ઝડપાયેલા પાંચેય આરોપીઓ દહેગામ તાલુકાના બહીયલ ગામના રહેવાસી છે. જેમાં ૪૬ વર્ષીય જહાંગીર અલ્લાઉદીન રાઠોડ, ૩૭ વર્ષીય તૌસિફ મુસ્તાકભાઇ ચૌહાણ, ૩૪ વર્ષીય મુસ્તકીમ અબ્દુલભાઇ કુરેશી અને ૩૭ વર્ષીય અસઘર અયુબભાઇ મલેકનો સમાવેશ થાય છે.
ફરાર આરોપીઓ અને આગળની કાર્યવાહી
દરોડા દરમિયાન અંધારાનો લાભ લઈને નાઝીમ ઈસ્માઈલભાઈ કાઝી, ઈરફાન ઉર્ફે સાઈકલ મહેમુદભાઈ ચૌહાણ અને આરીફ ઉર્ફે બેટરી નામના ત્રણ ઈસમો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. દહેગામ પોલીસે પકડાયેલા તેમજ ભાગી છૂટેલા તમામ આઠેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.











