ગુજરાત સરકારના કલાયમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ દ્વારા અહમદપુર પ્રાથમિક શાળાને પર્યાવરણ અને કલાયમેટ ચેન્જલક્ષી પ્રવૃત્તિઓ માટે રાજ્ય કક્ષાનો “કલાયમેટ ચેન્જ એવોર્ડ 2025-26” એનાયત કરાયો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે, અહમદપુર પ્રાથમિક શાળા દ્વારા કલાયમેટ ચેન્જ માટે અને પર્યાવરણ બચાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી શાળા કક્ષાએ અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી રહી છે. જેમાં ખાસ કરીને ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ટાળે તે માટે ગામમાંથી જૂના કપડા એકત્ર કરી, દરજી પાસે શાળા દ્વારા કપડાની થેલીઓ બનાવી, ગામના દરેક ઘરે પહોંચાડી સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને બંધ કરવા માટેની પહેલ કરવામાં આવી હતી.સાથે સાથે, ઉત્તરાયણ પર્વે પતંગ પર વિવિધ વૃક્ષોના બીજ ચિપકાવી પતંગ ઉડાડવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાની પ્રવૃત્તિ પણ છેલ્લા સાત વર્ષથી કરવામાં આવે છે.
આ સાથે, ઉત્તરાયણ પર્વ બાદ નકામી દોરી એકત્ર કરી તેનો સળગાવીને નાશ કરવા બદલે તેમાંથી ખુરશીમાં બેસવાની ગાદી અને તકિયા તૈયાર કરવામાં આવે છે. આ પ્રવૃત્તિની નોંધ ચાલુ વર્ષે આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યના મીડિયામાં પણ લેવામાં આવી હતી.આ સાથે, શાળા દ્વારા ગ્રામ્ય કક્ષાએ વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે તે માટે ફળાઉ વૃક્ષોના ઉછેર પર ભાર મૂકવામાં આવે છે.
ટૂંકમાં, શાળામાં બાળકોને શિક્ષણની સાથે સાથે પર્યાવરણ અને કલાયમેટ ચેન્જ વિષે જાગૃત કરી એક જવાબદાર નાગરિક બનાવવાની દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેની નોંધ ગુજરાત સરકારના કલાયમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ દ્વારા લઈ, પ્રોત્સાહનરૂપ પ્રાણવાયું પૂરું પાડતાં શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.











