ડૉ. ઉમર નબીને વર્ષ 2023માં જમ્મુ-કાશ્મીરના અનંતનાગની સરકારી મેડિકલ કૉલેજમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો

દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટના મુખ્ય આરોપી ડૉક્ટર ઉમર ઉન નબીને લઈને એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. એવી આશંકા છે કે આ ડૉક્ટર જ સફેદ i20 કાર ચલાવી રહ્યો હતો અને તે પણ આ ધમાકામાં માર્યો ગયો છે. તેની ઓળખની સત્તાવાર પુષ્ટિ કરવા માટે હવે તપાસ એજન્સીઓ તેના શરીરના ટુકડાઓના DNAનું તેના પરિવાર સાથે મેચિંગ કરશે. આ ઘટનાક્રમ વચ્ચે, ડૉક્ટર ઉમરનો પૃષ્ઠભૂમિ અંગે મોટો ખુલાસો થયો છે.
જાણવા મળ્યા મુજબ, ડૉ. ઉમર નબીને વર્ષ ૨૦૨૩માં જમ્મુ-કાશ્મીરના અનંતનાગની સરકારી મેડિકલ કૉલેજમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. તે સમયે તે સિનિયર રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતો હતો. તેની વિરુદ્ધ ખરાબ વર્તણૂક, સહકર્મીઓ અને દર્દીઓ સાથે રુડનેસ તેમજ વારંવાર ડ્યૂટીમાંથી ગેરહાજર રહેવાની ફરિયાદો હતી. મામલો ત્યારે ગંભીર બન્યો જ્યારે તેની બેદરકારીને કારણે એક દર્દીનું મૃત્યુ થયું હતું. દર્દી ગંભીર હોવા છતાં ડૉક્ટર ઉમર ડ્યૂટી પર હાજર નહોતો.
આ ઘટના બાદ, તપાસ સમિતિએ CCTV ફૂટેજ ચેક કર્યા અને ડૉક્ટર ઉમર જુઠ્ઠું બોલી રહ્યા હોવાનું સાબિત થયું. તપાસ દરમિયાન વારંવાર બોલાવવા છતાં તે હાજર ન રહેતાં, કમિટીએ તેના ટર્મિનેશનની ભલામણ કરી અને તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. નોકરી છૂટ્યા પછી, ડૉક્ટર ઉમરે ૨૦૨૩માં હરિયાણાના ફરીદાબાદમાં અલ-ફલહ સ્કૂલ ઑફ મેડિકલ સાયન્સમાં કામ શરૂ કર્યું હતું. આ ખુલાસાથી આતંકી કાવતરાના સંકેતો વધુ સ્પષ્ટ થાય છે.











