ચાહકો માટે નિરાશાજનક સમાચાર! લોન્ચ તારીખ 2026 થી લંબાઈને 2027 થઈ શકે છે. સાથે જ, અપેક્ષા કરતા નાની ડિસ્પ્લે સાઇઝની પણ ચર્ચા છે. જાણો વિગતો.

અમદાવાદ, બુધવાર
દુનિયાની ટેક કંપનીઓ ફોલ્ડેબલ સ્માર્ટફોનના માર્કેટમાં પગ જમાવી ચૂકી છે, પણ એપલ હજી આ રેસમાં પાછળ છે. લાંબા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, તે iPhone Foldના ચાહકો માટે એકસાથે બે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે: એક, ડિસ્પ્લેની સાઇઝ નાની થઈ શકે છે અને બીજું, તેની લોન્ચ તારીખ લંબાઈ શકે છે.
ડિસ્પ્લે અપેક્ષા કરતાં નાની થવાની ચર્ચા
શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે iPhone Fold બંધ હોય ત્યારે તેની ડિસ્પ્લે 5.5 ઇંચની હશે અને ખોલવામાં આવે ત્યારે 7.8 ઇંચની મોટી સ્ક્રીન મળશે. જોકે, નવા અહેવાલો મુજબ, હવે આ સાઇઝમાં ઘટાડો થવાની શક્યતા છે.
નવી ચર્ચા મુજબ, ફોલ્ડ બંધ હોય ત્યારે સ્ક્રીન 5.38 ઇંચની અને ફોલ્ડ ઓપન હોય ત્યારે 7.58 ઇંચની હોઈ શકે છે. આ બદલાવ એપલના ચાહકો માટે થોડો દુઃખદ છે. નોંધનીય છે કે, એપલે જે iPhone Miniનું પ્રોડક્શન બંધ કર્યું હતું, તેની ડિસ્પ્લે પણ 5.4 ઇંચની હતી. આ સંજોગોમાં, ફોલ્ડની બહારની સ્ક્રીન તો બંધ થયેલા ‘મિની’ મોડેલ કરતાં પણ થોડી નાની હોવાના સંકેતો છે.
લોન્ચની તારીખ 2026 થી લંબાઈને 2027 થઈ શકે છે
iPhone Fold 2026માં લોન્ચ થશે, એવી ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. જોકે, હવે એપલ આ સમયરેખાને લઈને થોડી મૂંઝવણમાં હોય એવું લાગે છે. અત્યારના અહેવાલો મુજબ, ભલે iPhone Foldને 2026માં જાહેર કરવામાં આવે, પણ ગ્રાહકોને તેની ડિલિવરી 2027માં મળે એવા અણસાર છે. આ મોડું થવાનું મુખ્ય કારણ તેના ‘હિન્જ’ (Hinge) એટલે કે ફોનને વાળવાની મુખ્ય મિકેનિઝમ હોઈ શકે છે. એપલ આ મહત્વના ભાગને સંપૂર્ણપણે પરફેક્ટ બનાવવા પર ધ્યાન આપી રહ્યું છે. આ જ કારણોસર, પ્રોડક્શનમાં વિલંબ થઈ શકે છે. ઉપરાંત, પ્રોડક્ટમાં અન્ય કોઈ ટેકનિકલ સમસ્યાઓ આવે તો પણ ગ્રાહકો સુધી પહોંચતા સમય લાગી શકે છે. ફોલ્ડેબલ માર્કેટમાં એપલનું આગમન ક્યારે થાય છે અને તે કેવા ફીચર્સ સાથે આવે છે, તે જોવું રસપ્રદ રહેશે. જોકે, અત્યારની સ્થિતિ જોઈને લાગે છે કે ચાહકોએ 2027 સુધી રાહ જોવી પડી શકે છે.











