બ્રિજ પર ભારે વાહનોની આવન જાવન તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી : આ અસર કાયમી રહે તે જરૂરી

દહેગામ, બુધવાર
દહેગામ-નરોડા હાઈવે પર રાયપુર નજીક આવેલા નર્મદા કેનાલ પરના અત્યંત જોખમી બ્રિજ અંગે વીયુ નેટવર્ક દ્વારા રજૂ કરાયેલા સચોટ અને સમયસરના અહેવાલનો પ્રચંડ પડઘો પડ્યો છે. આ બ્રિજની તૂટેલી પેરાફિટ અને ફૂટપાથના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અને કલેક્ટરના આદેશ છતાં ભારે વાહનોની અવરજવર ચાલુ રહેવાની બાબતને ઉજાગર કરતા અહેવાલ બાદ, સરકારી તંત્ર સફાળું જાગ્યું છે અને તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે. કલેક્ટર મેહુલ દવે ઘ્વારા અપાયેલ સૂચના બાદ અત્યાર સુધી કુંભકરણ નિંદ્રામાં પોઢતી સ્થાનિક પોલીસ એક્શનમાં આવી છે. અને બ્રિજ પર ભારે વાહનોની અવર જવર બંધ કરાવી દીધી છે.

જિલ્લા કલેક્ટર મેહુલ દવેની ત્વરિત કાર્યવાહી
વીયુ નેટવર્કના અહેવાલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે પોલીસ વિભાગનો ઉધડો લીધો હતો અને બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર તાત્કાલિક અને સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. પરિણામે, બ્રિજ ઉપરથી પસાર થતા તમામ ભારે વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જેથી કોઈ સંભવિત જોખમ ટાળી શકાય. અગાઉ, કલેક્ટરના આદેશ છતાં પોલીસ દ્વારા પૂરતી કડકાઈ ન દાખવવામાં આવતી હોવાની અને માત્ર હોમગાર્ડ જ તૈનાત હોવાની વીયુ નેટવર્કના અહેવાલમાં કરાયેલી ટીકા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

બ્રિજના સમારકામનો તાત્કાલિક આદેશ
સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા, કલેક્ટર મેહુલ દવે દ્વારા બ્રિજના સમારકામ માટે પણ તાત્કાલિક આદેશો આપી દેવામાં આવ્યા છે. આ ઝડપી અને નિર્ણાયક કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના, જેમ કે ગંભીરા બ્રિજ જેવી કરુણ ઘટના, ટાળવાનો છે. આ ઘટનાએ માળખાકીય સુવિધાઓની જાળવણી અને નિયમિત નિરીક્ષણની અનિવાર્યતા પર ફરીથી ભાર મૂક્યો છે.

વીયુ નેટવર્કના અહેવાલે તંત્રને હરકતમાં લાવવામાં અને જાહેર સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા માટે પ્રેરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ત્યારે તંત્ર દ્વારા પણ આ બ્રિજના સમારકામ માટેની પ્રક્રિયા ઝડપથી શરૂ કરાય અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવાય લેવી અપેક્ષા રાખવામાં આવે છે.










