સાવધાન! ગુજરાતમાં ચૂંટણીના દિવસે આભમાંથી વરસશે અગનગોળા: 43 ડિગ્રી તાપમાનની આગાહી વચ્ચે આરોગ્ય વિભાગ એલર્ટ

ગુજરાતમાં ચૂંટણીના મતદાન દિવસે ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની IMDની આગાહી. જાણો ગરમીથી બચવાના ઉપાયો અને આરોગ્ય વિભાગની વિશેષ તૈયારીઓ વિશે.

ગાંધીનગર, ગુરૂવાર
ગુજરાતમાં અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે, પરંતુ તેની સાથે જ હવે કુદરતી ગરમી પણ પોતાનો પ્રકોપ બતાવવા તૈયાર છે. હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આકરી ગરમીને લઈને નવી આગાહી જાહેર કરવામાં આવી છે. જે મુજબ, આગામી દિવસોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર કરી શકે છે, જેની સીધી અસર ચૂંટણીના મતદાન પર પડી શકે તેમ છે.

22 થી 28 એપ્રિલ દરમિયાન સૂકું વાતાવરણ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ કારણે આગામી 22 એપ્રિલથી 28 એપ્રિલ, 2026 સુધી રાજ્યનું વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે. ભેજનું પ્રમાણ ઘટતા અને સૂકા પવનોને કારણે તાપમાનમાં સતત વધારો નોંધાશે.

ચૂંટણીના દિવસે 43 ડિગ્રીની ફીલ્ડિંગ
સૌથી ચિંતાજનક વાત એ છે કે, 26 એપ્રિલના રોજ જ્યારે રાજ્યમાં મતદાન થવાનું છે, ત્યારે જ ગરમી તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. આગાહી મુજબ ચૂંટણીના દિવસે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 થી 43 ડિગ્રીની વચ્ચે રહેશે. અમદાવાદમાં પારો 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. હાલમાં પણ અમરેલીમાં 41.1 ડિગ્રી, અમદાવાદમાં 41 ડિગ્રી અને ગાંધીનગરમાં 40.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાઈ ચૂક્યું છે. આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે બપોરના સમયે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બનશે.

ગરમીથી બચવા શું કરવું?
ચૂંટણીમાં મતદાન કરવા જતી વખતે કે સામાન્ય કામકાજ દરમિયાન ગરમીથી બચવા માટે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું:

બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું.
જો બહાર જવું પડે તો માથે ટોપી, રૂમાલ કે છત્રીનો ઉપયોગ કરવો.
શરીરને ઠંડક મળે તેવા હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા.
પુષ્કળ પાણી, લીંબુ શરબત, છાશ અને નાળિયેર પાણીનું સેવન કરવું.
વડીલો, બાળકો અને સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લેવી.

સરકાર અને આરોગ્ય વિભાગની તૈયારીઓ
ભયાનક ગરમીને જોતા રાજ્યના આરોગ્ય વિભાગે કમર કસી છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ની માર્ગદર્શિકા મુજબ તમામ જિલ્લાઓમાં હીટ-હેલ્થ એક્શન પ્લાન લાગુ કરી દેવામાં આવ્યો છે.

હીટ સ્ટ્રોક વોર્ડ: દરેક જિલ્લા હૉસ્પિટલમાં 5 બેડ અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં 2 બેડના સ્પેશિયલ હીટ સ્ટ્રોક રૂમ તૈયાર કરાયા છે.
દવાઓનો જથ્થો: તમામ સરકારી હૉસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં ORS, IV ફ્લુઇડ્સ અને જરૂરી દવાઓનો સ્ટોક રાખવા સૂચના અપાઈ છે.
મોનિટરિંગ: 1 માર્ચ, 2026 થી જ IHIP પ્લેટફોર્મ દ્વારા હીટસ્ટ્રોકના કેસોનું રોજેરોજ ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે.
વીજળી અને સુરક્ષા: હૉસ્પિટલોમાં વીજળીનો સપ્લાય અવિરત રહે અને એસી-પંખા ચાલુ રહે તે માટે ઇલેક્ટ્રિક ઓડિટ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં લોકશાહીના પર્વ એટલે કે ચૂંટણીના દિવસે કુદરત પણ આકરી કસોટી કરવા જઈ રહી છે. મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કરવાની સાથે પોતાની તબિયતનું પણ પૂરતું ધ્યાન રાખવું અનિવાર્ય છે. ગરમીના પ્રકોપથી બચવા માટે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું હિતાવહ છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!