ગુજરાતના પાટનગરમાં ‘સશક્ત મહિલા પરિસંવાદ’: હંસાબેન મહેતાને શ્રદ્ધાંજલિ અને નારી શક્તિનું સન્માન

આ કાર્યક્રમ અંતર્ગત હંસા મહેતાના જીવન પ્રસંગોને નિદર્શિત કરતી શોર્ટ ફિલ્મ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી તેમના મહિલા સશક્તિકરણના કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા.

ગાંધીનગર, શુક્રવાર
રાષ્ટ્રીય મહિલા આયોગ અને જિલ્લા પ્રશાસન ગાંધીનગર દ્વારા આયોજિત નીતિ સે નિર્માણ થીમ આધારિત સશક્ત મહિલા પરિસંવાદ શૃંખલાનો પ્રથમ કાર્યક્રમ ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમ બંધારણ નિર્માણમાં મહત્વનો ફાળો આપનાર ગુજરાતી સુપુત્રી હંસાબેન મહેતાના જન્મદિવસ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને નારી શક્તિનું સન્માન કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો. આ કાર્યક્રમ મહિલા આયોગના ચેરપર્સન વિજયા કે. રાહટકરના અધ્યક્ષ સ્થાને સેક્ટર 12ના આંબેડકર હોલ ખાતે સશક્ત નારી સંવાદના નેજા હેઠળ યોજાયો હતો.

હંસાબેન મહેતા: એક નામ નહીં, એક વિચાર!
વિજયા રાહટકરે ઉપસ્થિત મહિલાઓનું સ્વાગત કરતા જણાવ્યું કે, આજે આપણે એવા અવસર પર ઉપસ્થિત છીએ જે માત્ર શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો નહીં, પણ એવી મહિલા શક્તિને યાદ કરવાનો છે, જેણે સંવિધાન થકી દરેક મહિલાના જીવનમાં પરિવર્તનની દિશા નક્કી કરી છે. ઈરાદા બુલંદ હોય તો કોઈ પણ સામાજિક બંધન કે, કોઈ પણ જાતિ ભેદ તમને રોકી શકતો નથી. આ વાત સુનિશ્ચિત કરનાર મહિલા એટલે હંસાબેન મહેતા, આ માત્ર એક નામ નથી પણ એક વિચાર છે.

તેમણે ઉમેર્યું કે, હંસાબેન મહેતા સંવિધાનની પ્રક્રિયામાં મહિલાઓનો અવાજ બન્યા હતા. તેઓ પણ આપણા સૌની માફક એક ગુજરાતની માટીમાં જન્મેલા ગુજરાતના જ દીકરી હતા. જ્યારે આપણા દેશનું સંવિધાન બની રહ્યું હતું ત્યારે, ડો. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં એક કમિટીની રચના થઈ હતી. આ કમિટીમાં દેશની 15 મહિલાઓ સહભાગી બની હતી. જ્યારે આ સંવિધાન રચના કાર્ય ચાલતું હતું ત્યારે, હંસાબહેને સુનિશ્ચિત કર્યું કે, મહિલાઓનો ઉત્કર્ષ, શિક્ષણ અને સન્માન એમાં વણી લેવા જોઈએ.

વિજયા રાહટકરે હંસાબેનના ક્રાંતિકારી યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે, આજના સમયમાં સ્ત્રી સશક્તિકરણ અને ઉત્કર્ષની વાતો આપણને સરળ લાગે છે, પરંતુ જે તે સમયે જ્યારે આ 15 મહિલાઓએ સશક્તિકરણનું બીડું ઝડપ્યું હતું, તે સમયે આ ખૂબ અઘરું હતું. જ્યારે વિશ્વના ફલક પર ‘All men are born free and equal’ આ વાત છવાયેલી હતી, ત્યારે હંસાબેને અવાજ ઉઠાવ્યો અને તેને બદલીને ‘All human are born free and equal.’ નું સૂત્ર આપ્યું. હંસા મહેતાએ માત્ર શિક્ષણ, સશક્તિકરણ અને મહિલા ઉત્કર્ષની વાતો ન કરતા મહિલાઓ માટે શિક્ષણના માર્ગ પણ સરળ બનાવ્યા. અને આવી જ મહિલાઓ આજના સશક્ત નારીના ભવિષ્યનું મૂળ છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણો દેશ હંમેશા મહિલા સન્માન કરનારો દેશ છે. દેશના સંવિધાન રચનામાં પણ 15 મહિલાઓને ભાગીદાર બનાવવામાં આવી હતી, જેમાંથી એક મહિલા હંસા મહેતા હતા, જેમણે બુલંદ કામગીરી કરી. આ 15 મહિલાઓનું કામ સમય સાથે ભુલાય નહીં તે માટે આ મહિલા શક્તિને સમર્પિત કાર્યક્રમ દ્વારા દેશના દરેક ઘરમાં તેમની ઓળખ માટેનો આ કાર્યક્રમ છે.

વંદનથી નારી શક્તિ વંદના સુધી
વિજયા રાહટકરે જણાવ્યું કે, આજે દેશના આ બુલંદ મહિલા હંસાબેન મહેતાનો જન્મદિવસ છે, સંવિધાન સાથે જોડાયેલી 15 મહિલાઓના સન્માનના કાર્યક્રમ કડીની પ્રથમ શરૂઆત ગુજરાતમાંથી થઈ રહી છે, તે ખૂબ ગર્વ અને આનંદની વાત છે. મહિલાઓ માટે સમાનતા, સશક્તિકરણ અને ન્યાય આ હંસાબેનનો મુખ્ય ધ્યેય હતો, તેમનું આ સ્વપ્ન આજે આપણે સાકાર થઈ રહેલું જોઈ શકીએ છીએ. એટલે જ આપણે વંદનથી નારી શક્તિ વંદના સુધી પહોંચ્યા છીએ.

વર્તમાન સમયમાં મહિલાઓની સ્થિતિ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે, આજે ખેતરમાં મહિલાઓ ખેતી કરવા સાથે ડ્રોન દીદી તરીકે, તો ક્યાંક સીમા અને સરહદો ઉપર સૈનિક તરીકે, સંસદમાં દરેક જગ્યાએ કાર્યરત છે. મહિલાઓ માટે આ પરિવર્તનની શરૂઆતના મૂળ એ આ 15 મહિલાઓના પ્રયાસનું જ ફળ છે. આજની મહિલાઓની પ્રગતિ હંસા મહેતાએ મહિલાઓ માટે કંડારેલા માર્ગને આભારી છે.

કેટલાક પરિવર્તન કલમથી થાય છે, તો કેટલાક બુલંદ અવાજથી
વિજયા રાહટકરે હંસાબેનના યોગદાનને બિરદાવતા કહ્યું કે, બરાબરીની વાત હોય કે પછી નારી સશક્તિકરણ, કે પછી આપણે આજે જે તિરંગો ગર્વથી લહેરાવીએ છીએ તેની, આ બધા સાથે આજે આ ગુજરાતની દીકરી હંસા મહેતાનું નામ જોડાયેલું છે. કેટલાક પરિવર્તન કલમથી થાય છે, તો કેટલાક બુલંદ અવાજથી. અને હંસા મહેતા એવો જ બુલંદ અવાજ છે, જે યુગો સુધી ગુંજતો રહેશે.

તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મહિલાઓ પ્રત્યેના વિચારો ટાંકતા જણાવ્યું કે, શક્તિ પણ છે, અને સશક્ત પણ છે, એ ભારતની નારી છે, ના કોઈથી કમ ના કોઈથી વધારે, તે દરેક ક્ષેત્રે બરાબરીની અધિકારી છે.

અંતે, વિજયા રાહટકરે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો ધ્યેય સ્પષ્ટ છે કે, દરેક ઘરમાં એક હંસા મહેતા બને, મહિલાઓના વિચારોમાં હંસા મહેતા જીવંત રહે, ત્યારે આપણે સૌએ તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે.

કાર્યક્રમની વિશેષતાઓ અને ઉપસ્થિત મહાનુભાવો
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બંધારણ નિર્માણમાં ફાળો આપનાર 15 મહિલાઓના સન્માનમાં તેમના વતનમાં જઈ આવા કાર્યક્રમો કરવાનું આયોજન કર્યું છે. જેમાંથી હંસા મહેતા ગુજરાતના સુરત શહેરના હતા. આ મહિલા સન્માન કાર્યક્રમ સશક્ત મહિલા પરિસંવાદની શરૂઆત ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતેથી કરવામાં આવી છે, જે આપણા સૌ માટે ગર્વની ક્ષણ કહી શકાય.

આ કાર્યક્રમમાં ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, નાયબ સચિવ સ્ટેટ કમિશનર ફોર વુમન શિવાની ડે, ગાંધીનગર કલેક્ટર મેહુલ કે. દવે, ગાંધીનગર સભ્ય સચિવ રાજ્ય મહિલા આયોગ ધવલ શાહ, નિવાસી અધિક કલેક્ટર નિશા શર્મા, ચેરમેન મહિલા બાળ સમિતિ ગાંધીનગર મહાનગરપાલિકા હંસાબેન ભટ્ટ, નાયબ કલેક્ટર અર્જુનસિંહ વણઝારા તથા સુશ્વેતા પંડ્યા, ગાંધીનગર પ્રાંત પાર્થ કોટડીયા, મામલતદાર મહેશ ગોહેલ સહિત મહિલા અને બાળ વિકાસના અધિકારી રમીલાબેન રાઠોડ, પ્રોગ્રામ ઓફિસર આરતીબેન ઠાકર, દહેજ પ્રતિબંધક અધિકારી આર. એમ. જીંજાળા સહિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ, સખીમંડળની બહેનો અને શિક્ષિકાઓ બહોળી સંખ્યામાં સહભાગી બન્યા હતા.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!