ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં આવી છે અને રાજ્યના તમામ બ્રિજની તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં, 97 જોખમી બ્રિજ પર વાહનવ્યવહાર રોકી દેવાયો છે.

અમદાવાદ, મંગળવાર
આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી, ગુજરાતભરમાં જર્જરિત બ્રિજની તપાસ ચાલી રહી છે. આ તપાસ દરમિયાન અમદાવાદમાં એક જૂના બ્રિજની નબળી સ્થિતિ સામે આવી છે. રામોલ ચોકીથી વટવા GIDC તરફ જતા મચ્છુનગર ખારીકટ કેનાલ પરનો આ બ્રિજ એટલો જૂનો અને જર્જરિત થઈ ગયો છે કે તેને હેવી વ્હીકલ માટે બંધ કરી દેવાયો છે.
50 વર્ષ જૂનો બ્રિજ, રિપોર્ટમાં અસુરક્ષિત જાહેર
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, આ બ્રિજનું બાંધકામ આશરે 50 વર્ષથી પણ વધારે જૂનું છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) એ એક્સપર્ટ્સ પાસે આ બ્રિજની તપાસ કરાવી હતી. તપાસ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે આ બ્રિજ પર હેવી અને મીડીયમ વ્હીકલની અવરજવર સલામત નથી. આ કારણોસર, રામોલ ચોકીથી મચ્છનગર ખારીકટ કેનાલ બ્રિજ તરફ જતા વાહનો તેમજ GIDC અંબિકા ત્રણ રસ્તા તરફથી મચ્છુનગર થઈ રામોલ ચાર રસ્તા તરફ જતા વાહનો માટે આ બ્રિજ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.

વૈકલ્પિક રૂટ અને ટ્રાફિક ડાયવર્ઝન
પહેલો વિકલ્પ: વટવા GIDCના અંદરના ભાગમાંથી પસાર થઈને ત્રિકમપુરા ચાર રસ્તા તરફ નીકળી શકાય છે. ત્યાંથી રાઈટ ટર્ન લઈને રામોલ ચોકી ચાર રસ્તા થઈને હાથીજણ (લાલ ગેબી સર્કલ) તરફ જઈ શકાશે.
બીજો વિકલ્પ: GIDC તરફ આવતા વાહનો ત્રિકમપુરા ચાર રસ્તાથી લેફ્ટ ટર્ન લઈને સીધા GIDC વટવા તરફ જઈ શકશે.
રાજ્યમાં 97 જોખમી બ્રિજ પર વાહનવ્યવહાર બંધ
ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં આવી છે અને રાજ્યના તમામ બ્રિજની તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં, 97 જોખમી બ્રિજ પર વાહનવ્યવહાર રોકી દેવાયો છે. વધુમાં, 39 બ્રિજ એવી ખરાબ કન્ડિશનમાં છે કે ગમે ત્યારે પડી શકે છે. અમદાવાદ સહિત અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં કુલ 364 બ્રિજમાંથી, 231 બ્રિજની કન્ડિશન સારી હોવાનો સરકારનો દાવો છે. જોકે, અમદાવાદમાં જ 3 બ્રિજ ખૂબ જ ખરાબ હાલતમાં છે.










