EPFO UPI Withdrawal: નોકરિયાતો માટે મોટા સમાચાર! હવે UPI થી મિનિટોમાં ઉપાડી શકાશે PF ના પૈસા, જાણો નવા નિયમો

કેન્દ્ર સરકારની નોકરિયાતોને મોટી ભેટ. હવે EPFO સભ્યો UPI ની મદદથી મિનિટોમાં પોતાના PF ના પૈસા ઉપાડી શકશે. જાણો 5 લાખની ઓટો-સેટલમેન્ટ લિમિટ અને નવા નિયમો.

નવી દિલ્હી, ગુરૂવાર
દેશના કરોડો નોકરિયાતો માટે કેન્દ્ર સરકારે એક જબરદસ્ત ભેટ આપી છે. અત્યાર સુધી પીએફ (PF) ખાતામાંથી પૈસા ઉપાડવા માટે દિવસો સુધી રાહ જોવી પડતી હતી અને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું, પરંતુ હવે આ ઝંઝટ ખતમ થવા જઈ રહી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, સરકારે UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) આધારિત પીએફ ઉપાડ સુવિધાનું ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂરું કરી લીધું છે. એટલે કે, આવનારા સમયમાં તમારા પીએફના પૈસા મિનિટોમાં તમારા બેંક ખાતામાં જમા થઈ જશે.

UPI પિન નાખતા જ સેકન્ડોમાં થશે ટ્રાન્ઝેક્શન
નવી સિસ્ટમ મુજબ, હવે EPF સભ્યો પોતાના ખાતામાં રહેલું લાઈવ બેલેન્સ જોઈ શકશે. તમને જેટલા પૈસાની જરૂર હોય તે નાખ્યા બાદ, તમારે ફક્ત તમારા બેંક ખાતા સાથે લિંક થયેલો UPI PIN નાખવાનો રહેશે. આ પ્રોસેસ પૂરી થતાં જ ગણતરીની સેકન્ડોમાં પૈસા તમારા લિંક થયેલા બેંક ખાતામાં આવી જશે. આ રકમનો ઉપયોગ તમે કોઈ પણ ડિજિટલ પેમેન્ટ કે ATM માંથી રોકડ કાઢવા માટે કરી શકશો.

જૂની સિસ્ટમથી કેવી રીતે અલગ છે આ સુવિધા?
જૂની પ્રક્રિયામાં ખાતાધારકે ઓનલાઈન ક્લેમ કરવો પડતો હતો. ત્યારબાદ EPFO ના અધિકારીઓ દસ્તાવેજો ચકાસતા અને મંજૂરી આપ્યા પછી જ ખાતામાં પૈસા આવતા હતા. જેમાં ઘણો સમય જતો હતો. પરંતુ નવી UPI સિસ્ટમ અમલમાં આવતા ઈમરજન્સીના સમયે મેડિકલ કે અન્ય ખર્ચાઓ માટે તાત્કાલિક પૈસા મળી રહેશે.

ઓટો-સેટલમેન્ટની મર્યાદા વધારીને 5 લાખ કરાઈ
EPFO એ બીજી એક મોટી રાહત આપતા ઓટો-સેટલમેન્ટની લિમિટમાં ધરખમ વધારો કર્યો છે. પહેલા માત્ર 1 લાખ રૂપિયા સુધીના ક્લેમ જ ઓટોમેટિક પાસ થતા હતા, પરંતુ હવે આ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આનો અર્થ એ કે 5 લાખ સુધીના ઉપાડ માટે કોઈ મેન્યુઅલ ચેકિંગની જરૂર નહીં પડે, જેથી ક્લેમ સેટલમેન્ટની સ્પીડ બમણી થઈ જશે.

EPFO 3.0 હેઠળ ડિજિટલ ક્રાંતિ અને ઉપાડની લિમિટ
કેન્દ્ર સરકારના ડિજિટલ ઈન્ડિયા મિશન હેઠળ EPFO 3.0 પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેમાં પીેએફ સેવાઓને હાઈટેક બનાવવામાં આવી રહી છે. ભવિષ્યમાં યુઝર્સને UPI, ATM થી ઉપાડ અને એકાઉન્ટ ટ્રાન્સફર જેવી શાનદાર સુવિધાઓ મળશે. જોકે, નિવૃત્તિ માટે ફંડ બચાવવું પણ જરૂરી છે, તેથી સભ્યો પોતાના કુલ પીએફ બેલેન્સના 50 ટકાથી લઈને વધુમાં વધુ 75 ટકા સુધીની રકમ જ આ રીતે ઉપાડી શકશે. બાકીના પૈસા ભવિષ્ય માટે સુરક્ષિત રહેશે.

આ સુવિધા માટે કઈ શરતો (KYC) પૂરી કરવી પડશે?
જો તમારે આ હાઈટેક સુવિધાનો લાભ લેવો હોય, તો તમારા પીએફ ખાતામાં નીચેની વિગતો કમ્પ્લીટ હોવી ફરજિયાત છે:

તમારી પાસે એક્ટિવ UAN નંબર હોવો જોઈએ.
UAN નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે.
પાન કાર્ડ અને બેંક એકાઉન્ટની KYC પ્રક્રિયા પૂરી થયેલી હોવી જોઈએ.
બેંક એકાઉન્ટની વિગતોમાં સાચો IFSC કોડ અપડેટ હોવો જોઈએ.
ઓટીપી (OTP) મેળવવા માટે મોબાઈલ નંબર ચાલુ અને રજિસ્ટર્ડ હોવો અનિવાર્ય છે.

ક્લેમ સેટલમેન્ટના આંકડામાં નવો રેકોર્ડ
શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ લેટેસ્ટ માહિતી આપતા જણાવ્યું હતું કે, વિભાગની કામગીરી ખૂબ જ ઝડપી બની છે. નાણાકીય વર્ષ 2025-26 માં EPFO એ રેકોર્ડબ્રેક 8.31 કરોડ ક્લેમ સેટલ કર્યા છે (જે વર્ષ 2024-25 માં 6.01 કરોડ હતા). આમાંથી 5.51 કરોડ જેટલા ક્લેમ તો માત્ર એડવાન્સ ઉપાડ માટેના જ હતા. સૌથી મોટી વાત એ છે કે, કુલ એડવાન્સ ક્લેમમાંથી 71.11 ટકા ક્લેમ માત્ર 3 દિવસની અંદર જ ઓટો મોડમાં પાસ કરી દેવામાં આવ્યા હતા. ટૂંકમાં, કેન્દ્ર સરકારનો આ નવો UPI નિયમ નોકરિયાત વર્ગ માટે એક મોટી રાહત છે, જેનાથી મુશ્કેલ સમયમાં તાત્કાલિક આર્થિક મદદ મળી રહેશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!