હાઈવે પર હાહાકાર! ગુજરાતમાં ડીઝલની ભયંકર અછત, 12 લાખ ટ્રકોના પૈડા થંભી જવાની ભીતિ

ગુજરાતમાં ડીઝલની અછતથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ભારે સંકટમાં. 12 લાખ ટ્રકો અને ખાનગી બસો બંધ થવાની અણી પર. જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ અને સરકારનો શું છે દાવો.

અમદાવાદ, ગુરૂવાર
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે ગુજરાતના વેપાર અને સામાન્ય જનજીવન પર પડવા લાગી છે. ઈઝરાયલ અને અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત ઊભી થઈ છે. આ ઈંધણ સંકટને કારણે રાજ્યના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો ગુજરાતના હાઈવે સુમસામ થઈ જશે તેવી પૂરી શક્યતા છે.

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ
ગુજરાતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પહેલાથી જ આર્થિક મંદીનો સામનો કરી રહ્યો હતો. તેમાં હવે ડીઝલની અછત સર્જાતા સ્થિતિ વધુ કફોડી બની છે. હાલમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ સૌથી વધુ ખરાબ છે. હાઈવે પર આવેલા મોટાભાગના પેટ્રોલ પંપો પર ડીઝલ નથી તેવા બોર્ડ ઝૂલી રહ્યા છે.

અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન હવે આ મુદ્દે મેદાને આવ્યું છે. એસોસિયેશને સરકારને રજૂઆત કરતા નીચે મુજબની ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે

જો ડીઝલનો પુરવઠો નહીં સચવાય તો ગુજરાતમાં 12 લાખ ટ્રકોના પૈડા થંભી જશે.
ટ્રકો બંધ થવાથી લાખો લોકોની રોજગારી છીનવાઈ જશે.
માલસામાનની ડિલિવરી અટકી જશે, જેના કારણે શાકભાજી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી શકે છે.
ખાનગી બસ સેવાઓને પણ મોટો ફટકો
માત્ર માલવાહક વાહનો જ નહીં, પરંતુ મુસાફરોને લાવવા-લઈ જતી ખાનગી લક્ઝરી બસો પર પણ ડીઝલની અછતની માઠી અસર જોવા મળી રહી છે.

ડીઝલ ન મળવાને કારણે ખાનગી બસોના સંચાલનમાં 30 ટકાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય રૂટ પર બસોની સંખ્યા ઘટી ગઈ છે.
આ ઉપરાંત મુંબઈ, દિલ્હી, અને મધ્યપ્રદેશ (MP) સહિતના રાજ્યોમાં જતી બસોમાં પણ 25 થી 30 ટકાનો કાપ મુકાયો છે.
ટ્રાવેલ્સ સંચાલકોનું કહેવું છે કે, જો બસનું ભાડું વધારીએ તો મુસાફરોનો રોષ સહન કરવો પડે છે, અને હાલના ભાડામાં ડીઝલ વિના બસો દોડાવવી આર્થિક રીતે પોસાય તેમ નથી.

પેટ્રોલ પંપોની વાસ્તવિક સ્થિતિ
ગ્રાઉન્ડ લેવલની વાત કરીએ તો, પેટ્રોલ પંપ માલિકો ભારે પરેશાન છે. પંપ માલિકોના જણાવ્યા અનુસાર, દર 5 દિવસે ડીઝલનું માત્ર 1 જ ટેન્કર આવે છે. અપૂરતા જથ્થાને કારણે ટ્રક અને કાર ચાલકોને મર્યાદિત માત્રામાં (લિમિટમાં) જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. અછતના ડરથી વાહનચાલકો ટાંકી ફૂલ કરાવવાનો આગ્રહ રાખે છે, જેના કારણે પંપ પર રોજેરોજ રકઝક અને ઘર્ષણના બનાવો બની રહ્યા છે.

સરકારની અપીલ: “અફવાઓથી સાવધાન, ગભરાશો નહીં”
એક તરફ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી છે, તો બીજી તરફ સરકારે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. સરકારના જણાવ્યા મુજબ, રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની માંગમાં અચાનક 35 થી 40 ટકાનો અધધ ઉછાળો આવ્યો છે, જેના કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે.

આજે મળેલી કેબિનેટ બેઠકમાં પણ આ ડીઝલ સંકટ મુખ્ય ચર્ચાનો વિષય રહ્યો હતો. સરકારે સ્પષ્ટતા કરી છે કે લોકોએ કોઈપણ પ્રકારની અફવાથી સાવધાન રહેવું. રાજ્ય પાસે પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. યોગ્ય આયોજન દ્વારા ટૂંક સમયમાં જ પરિસ્થિતિ થાળે પડી જશે.

સરકાર ભલે જથ્થો પૂરતો હોવાના દાવા કરી રહી હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે ડીઝલની અછતની સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. જો આગામી દિવસોમાં સપ્લાય સામાન્ય નહીં થાય, તો ગુજરાતના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ન પૂરી શકાય તેવું આર્થિક નુકસાન થશે અને સામાન્ય જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!