ભારત સરકારે ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા અને પ્રદૂષણ પર નિયંત્રણ માટે પેટ્રોલમાં 20% એથેનોલ મિશ્રણ (E20)નો લક્ષ્યાંક રાખ્યો છે.

કેન્દ્ર સરકારે 2026-27 સપ્લાય વર્ષ માટે એથેનોલ ઉત્પાદનમાં ખાંડના ઉપયોગ પર રોક લગાવવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય હેઠળ તેલ માર્કેટિંગ કંપનીઓની નવી ટેન્ડર પ્રક્રિયામાં શેરડીના રસ, શુગર સિરપ અને B-હેવી મોલાસીસ (શીરો)માંથી બનતા એથેનોલનો સમાવેશ કરાયો નથી.
1,100 કરોડ લિટર એથેનોલ ખરીદીનું ટેન્ડર
શુક્રવારે જાહેર થયેલા ટેન્ડર અનુસાર દેશની અગ્રણી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે નવેમ્બરથી શરૂ થતા સપ્લાય વર્ષ માટે 1,100 કરોડ લિટર એથેનોલ ખરીદવા બોલીઓ મંગાવી છે. હવેથી ઉત્પાદકો મકાઈ, ટુકડા ચોખા અને ભારતીય ખાદ્ય નિગમ (FCI) પાસેના વધારાના ચોખામાંથી એથેનોલ બનાવવા બોલી લગાવી શકશે.
સ્થાનિક બજારમાં ખાંડનો પુરવઠો વધારવાનો હેતુ
ઓછા વરસાદને કારણે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શેરડીના ઉત્પાદન પર અસરની આશંકા છે, જેના કારણે બજારમાં ખાંડના ભાવ પર દબાણ વધ્યું છે. કેન્દ્ર સરકારે સ્થાનિક સ્તરે ખાંડનો પુરવઠો વધારવા અને ભાવ નિયંત્રણમાં રાખવા આ પગલું ભર્યું છે.
પૃષ્ઠભૂમિ
અહેવાલો મુજબ 2025-26 સીઝનમાં મિલોએ લગભગ 30 લાખ ટન ખાંડ, એટલે કુલ ઉત્પાદનના આશરે 10%, એથેનોલ તરફ વાળી હતી. નવી સીઝન માટે 1 ઓક્ટોબરે ખાંડનો ઓપનિંગ સ્ટોક આશરે 37.5 લાખ ટન રહ્યો, જે ગયા વર્ષે લગભગ 50 લાખ ટન હતો. સરકારના જણાવ્યા મુજબ એથેનોલ માટે વળાતી ખાંડનો હિસ્સો 2022-23ના આશરે 12%થી ઘટી 2025-26માં આશરે 9% થયો છે, અને દેશના એથેનોલ ઉત્પાદનનો લગભગ ત્રણ-ચતુર્થાંશ ભાગ હવે અનાજ, ખાસ કરીને મકાઈમાંથી આવે છે.
E20 લક્ષ્ય
ભારત સરકારે ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા અને પ્રદૂષણ પર નિયંત્રણ માટે પેટ્રોલમાં 20% એથેનોલ મિશ્રણ (E20)નો લક્ષ્યાંક રાખ્યો છે. એક ઉદ્યોગ વિશ્લેષકના મતે ખાંડ આધારિત કાચા માલ પરના પ્રતિબંધ છતાં આ લક્ષ્ય હાંસલ કરી શકાય તેવું રહેશે.










