ચોમાસાની શરુઆતમાં જે જોર હતું તે થોડું નરમ પડ્યું હતું. હવામાન વિભાગે આજે મંગળવારે ગુજરાતના નવ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ, મંગળવાર
ગુજરાતમાં ચોમાસું પૂરી રીતે જામી ગયું છે, અને આજે, મંગળવાર, 1 જુલાઈ 2025 ના રોજ, રાજ્યના 9 જિલ્લાઓમાં “અતિ ભારે” વરસાદ પડવાની હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે.
આજે કયા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ?
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર રિજનમાં પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં પણ એક્સ્ટ્રીમલી હેવી રેઇનફોલ જોવા મળી શકે છે.
અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ
આ 9 જિલ્લાઓ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જેવા વિસ્તારોમાં “હેવી રેઇનફોલ”ની શક્યતા છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે.
આગામી દિવસોનું વેધર ફોરકાસ્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. અમદાવાદ અને વડોદરા જેવા મેટ્રો શહેરોમાં પણ વરસાદ ચાલુ રહેશે, પરંતુ હાલ પૂર જેવી સ્થિતિની શક્યતા ઓછી છે.











