ખુશખબર! સ્માર્ટફોન, લેપટોપ અને TV થશે સસ્તા, સરકારે કસ્ટમ ડ્યુટી માફ કરી, જાણો માર્ચ 2029 સુધીના નવા નિયમો

કેન્દ્ર સરકારે સ્માર્ટફોન, લેપટોપ અને TV ના સ્પેરપાર્ટ્સ પર બેઝિક કસ્ટમ ડ્યુટી સંપૂર્ણ માફ કરી છે. 31 માર્ચ 2029 સુધી મળેલી આ છૂટથી ગેજેટ્સ સસ્તા થશે.

નવી દિલ્હી, ગુરૂવાર
જો તમે નવો સ્માર્ટફોન કે લેપટોપ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે દેશમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. સરકારે તાત્કાલિક અસરથી સ્માર્ટફોન, કમ્પ્યુટર, લેપટોપ અને સ્માર્ટ ટીવી જેવા ઉપકરણોમાં વપરાતા સ્પેરપાર્ટ્સ પર લાગતી બેઝિક કસ્ટમ ડ્યુટી (BCD) સંપૂર્ણપણે માફ કરી દીધી છે.

માર્ચ 2029 સુધી મળશે આ છૂટ
સરકારની આ નવી નીતિ અનુસાર, આયાત ડ્યુટીમાં આપવામાં આવેલી આ છૂટ 31 માર્ચ, 2029 સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ દેશમાં રોકાણ વધારવાનો અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનું લોકલ પ્રોડક્શન વધારવાનો છે. સ્પેરપાર્ટ્સ પર ડ્યુટી ઘટવાને કારણે આવનારા સમયમાં મોબાઇલ, વાયરલેસ ચાર્જર, સ્માર્ટવોચ અને ફિટનેસ બેન્ડ જેવા ગેજેટ્સ સસ્તા થવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે કિંમત ઘટાડવાનો અંતિમ નિર્ણય કંપનીઓ પર નિર્ભર રહેશે.

કયા-કયા પાર્ટ્સ પર ડ્યુટી માફ થઈ?
આ નિર્ણય હેઠળ ડિસ્પ્લે મોડ્યુલ, સ્માર્ટફોન વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ અને લિથિયમ-આયન બેટરી બનાવવા માટે વપરાતા અનેક જરૂરી પાર્ટ્સ પરથી કસ્ટમ ડ્યુટી હટાવી લેવાઈ છે. ડિસ્પ્લે એસેમ્બલી બનાવવા માટે વપરાતા ડિસ્પ્લે સેલ, બેકલાઇટ યુનિટ, ફ્રેમ, FPCAs અને ACF જેવી વસ્તુઓ ડ્યુટી ફ્રી કરાઈ છે. વાયરલેસ ચાર્જિંગમાં વપરાતા NFC, કંડક્ટર કોઈલ, E-શીલ્ડ, PET લાઇનર અને ખાસ પ્રકારના મેગ્નેટ (NdFeB) પર પણ છૂટ આપવામાં આવી છે. આનાથી ઓટોમોટિવ, મેડિકલ અને ઇન્ડસ્ટ્રિયલ સાધનો બનાવતી કંપનીઓને મોટો ફાયદો થશે.

તૈયાર પ્રોડક્ટ્સ પર નહીં મળે ફાયદો: લોકલ ઉત્પાદન પર ભાર
સરકારે એક વાત સ્પષ્ટ કરી છે કે આ છૂટ માત્ર ભારતમાં બનતા સાધનોના ‘કાચા માલ’ કે છૂટા સ્પેરપાર્ટ્સ પર જ મળશે. જો કોઈ કંપની વિદેશથી સીધા જ તૈયાર (એસેમ્બલ થયેલા) પાર્ટ્સ મંગાવશે, તો તેને આ છૂટનો લાભ નહીં મળે. દાખલા તરીકે, મોબાઇલ, ટીવી, સ્માર્ટ મીટર કે સ્માર્ટવોચ માટે સીધી જ વાપરી શકાય તેવી તૈયાર ડિસ્પ્લે બહારથી મંગાવવા પર કોઈ ડિસ્કાઉન્ટ લાગુ પડશે નહીં.

સરકારનો અસલી હેતુ વિદેશી તૈયાર પ્રોડક્ટ્સ પર ભારતની નિર્ભરતા ઘટાડવાનો અને ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ અહીં જ એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક્સ બનાવવાનો ખર્ચ ઓછો કરવાનો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી ઇલેક્ટ્રિક વ્હીકલ (EV), કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર સેક્ટરમાં નવું રોકાણ આવશે, જેનાથી દેશની સ્થાનિક સપ્લાય ચેઈન મજબૂત બનશે અને ગ્રાહકોને સસ્તા દરે સારી ટેકનોલોજી મળશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!