ગુજરાતમાં ભારે માવઠાથી ખેડૂતોનો તૈયાર પાક બરબાદ. કિસાન કોંગ્રેસનો આક્ષેપ, 1769 કરોડની જુની સહાયમાંથી 500 કરોડ પણ નથી ચુકવાયા. ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા માંગ.

અમદાવાદ, મંગળવાર
રાજ્યના ખેડૂતો પર કુદરત રૂઠી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં તૈયાર થયેલો ખરીફ પાક લણણીના સમયે જ ભારે માવઠાનો શિકાર બન્યો છે, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગુજરાત કિસાન કોંગ્રેસે રાજ્ય સરકાર સમક્ષ ખેડૂતોનું ચાલુ વર્ષનું સંપૂર્ણ પાક ધિરાણ માફ કરવા માટે ભારપૂર્વક રજૂઆત કરી છે.
ખેડૂત નેતાઓનો મુખ્ય આક્ષેપ એ છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલી જુની સહાય હજુ સુધી ખેડૂતોના ખાતામાં પહોંચી નથી. તેમણે જણાવ્યું કે 2024 ના જુલાઈ અને ઓગષ્ટ મહિનામાં આવેલી અતિવૃષ્ટિ માટે સરકારે બે તબક્કામાં અનુક્રમે 319 કરોડ અને 1450 કરોડની જાહેરાત કરી હતી. આમ, કુલ 1769 કરોડના મોટા પેકેજની જાહેરાત છતાં, વાસ્તવિકતા એ છે કે આ રકમમાંથી 500 કરોડ પણ ખેડૂતોને ચૂકવવામાં આવ્યા નથી.
એટલું જ નહીં, ઓક્ટોબર 2024 માં આવેલા માવઠાના નુકસાન માટે પણ ખેડૂતોને રાહ જોવી પડી હતી. સરકાર પર આક્ષેપ છે કે આ પેકેજ લગભગ 10 મહિના સુધી પાઇપલાઇનમાં રાખ્યા બાદ, ઓગષ્ટ 2025 માં જ્યારે તે જાહેર કરાયું, ત્યારે તે માત્ર 6 જિલ્લાઓ પૂરતું મર્યાદિત હતું અને એ પણ ફક્ત કપાસના પાક માટે જ હતું. કિસાન નેતાઓએ એવો પણ દાવો કર્યો છે કે આ જૂના પેકેજમાંથી એક વર્ષ વીતી જવા છતાં એક પણ ખેડૂતને એક રૂપિયો પણ મળ્યો નથી.
હાલમાં પડેલો વરસાદ અગાઉના નુકસાન કરતાં ત્રણ ગણો વધારે હોવાનું જણાવાયું છે. ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે, જેનાથી જમીનનું ધોવાણ પણ મોટા પાયે થયું છે. આ સ્થિતિમાં, ખેડૂતોએ પ્રતિ હેક્ટર જમીન ધોવાણ માટે ઓછામાં ઓછા 1 લાખની સહાય તાત્કાલિક ચૂકવવાની માંગ કરી છે. આ ઉપરાંત, પાક નુકસાન સામે જાહેર કરાયેલું હાલનું રાહત પેકેજ ખેડૂતોની મજાક સમાન હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.











