અમદાવાદ રિવરફ્રન્ટ પર ગમખ્વાર અકસ્માત: સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે એક્ટિવા અથડાતા 17 વર્ષીય સગીરનું મોત, બહેન ગંભીર ઈજાગ્રસ્ત

રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂર સર્જાયો અકસ્માત; સમગ્ર ઘટના CCTVમાં કેદ, ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદ, સોમવાર : અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં રવિવારે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 17 વર્ષીય સગીરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેની 14 વર્ષની બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનથી આશરે 50 મીટરના અંતરે સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, ભાઈ-બહેન એક્ટિવા પર રિવરફ્રન્ટ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન એક્ટિવા અચાનક પૂરઝડપે સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાઈ ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા ચલાવતા 17 વર્ષીય કાવ્ય મહેતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે પાછળ બેઠેલી તેની 14 વર્ષની બહેન જૈના મહેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

ઈજાગ્રસ્ત સગીરાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. અકસ્માત બાદ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને અકસ્માત અંગે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ હાલમાં અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે અને CCTV ફૂટેજના આધારે સમગ્ર ઘટનાક્રમની વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!