અમદાવાદમાં ફિલ્મી ઢબે ચોરી: CCTVના વાયર કાપી બોપલમાંથી 18.72 લાખના વાયર ઉઠાવી ગયા તસ્કરો

અમદાવાદના બોપલમાં એક નિર્માણાધીન સાઇટ પરથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી. તસ્કરોએ CCTVના છેડા કાપીને આયોજનબદ્ધ રીતે 147 બંડલ ચોર્યા. જાણો સમગ્ર ઘટના.

અમદાવાદ, ગુરૂવાર
શહેરના પોશ ગણાતા બોપલ વિસ્તારમાં એક મોટી ચોરીની ઘટનાએ ચકચાર મચાવી છે. અહીં એક નિર્માણાધીન સાઇટના ગોડાઉન તરીકે વપરાતા ફ્લેટમાંથી તસ્કરો ખૂબ જ ચાલાકીપૂર્વક લાખો રૂપિયાના ઇલેક્ટ્રિક કોપર વાયરની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ચોરીને અંજામ આપતા પહેલા તસ્કરોએ CCTV કેમેરાના વાયર જ કાપી નાખ્યા હતા, જેથી તેમની કોઈ કરતૂત કેમેરામાં કેદ ન થાય. આ ઘટનામાં કુલ રૂપિયા 18,72,990 ની કિંમતના વાયર ચોરાયા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

ભાવ વધારાને કારણે કર્યો હતો 50 લાખના માલનો સ્ટોક
આ બનાવ અંગે શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતા અમિતકુમાર સવજીભાઈ પટેલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, તેઓ બોપલના ડી.પી.એસ. સ્કૂલ રોડ પર આવેલી એક નવી બની રહેલી બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિક વાયરિંગનું કામ સંભાળી રહ્યા છે.

ગત ફેબ્રુઆરી મહિનામાં કોપર વાયરના ભાવ સતત વધી રહ્યા હોવાથી તેમણે ભવિષ્યના કામકાજ માટે અંદાજે 50 લાખ રૂપિયાની કિંમતના ઇલેક્ટ્રિક કોપર વાયરનો મોટો જથ્થો ખરીદી લીધો હતો. આ માલને સાચવવા માટે તેમણે સાઇટ પર ડેવલપર દ્વારા ફાળવવામાં આવેલા ફ્લેટ નંબર A/104 ને ગોડાઉન તરીકે ઉપયોગમાં લીધો હતો. અત્યાર સુધીમાં તેમાંથી લગભગ 15 લાખ રૂપિયાના વાયરનો ઉપયોગ થઈ ચૂક્યો હતો, જ્યારે બાકીનો માલ ગોડાઉનમાં જ પડ્યો હતો.

CCTV બંધ કરી, 3 દિવસમાં કરી હાથ સફાઈ
ગત તારીખ 13 માર્ચ, 2024 ના રોજ સાંજે લગભગ 6:30 વાગ્યે કોન્ટ્રાક્ટર અમિતકુમાર ગોડાઉનને વ્યવસ્થિત તાળું મારીને પોતાના ઘરે ગયા હતા. ત્યારબાદ, તારીખ 16 માર્ચ, 2024 ના રોજ સવારે 10 વાગ્યે જ્યારે તેઓ સાઇટ પર પાછા ફર્યા, ત્યારે ચોરીની આખી ઘટના સામે આવી. કામ માટે અમુક ચોક્કસ કલરના વાયરની જરૂર પડતાં તેઓ જૂના સ્ટોકની ગણતરી કરવા ગોડાઉનમાં ગયા, ત્યારે તેમને માલ ઓછો હોવાનો શક ગયો હતો.

તપાસ કરતાં માલુમ પડ્યું કે, 13 માર્ચની સાંજથી 16 માર્ચની સવાર વચ્ચેના ગાળામાં અજાણ્યા ચોરોએ ગોડાઉનમાં પ્રવેશ કર્યો હતો. ચોરો એટલા શાતિર હતા કે તેમણે પહેલા ડ્રોઈંગ રૂમમાંથી સ્ટોક રૂમ તરફ જતા CCTV કેમેરાના વાયર કાપી નાખ્યા જેથી તેમની કોઈ પણ હિલચાલ રેકોર્ડ ન થાય. ત્યારબાદ, તેમણે નિરાંતે અલગ-અલગ કલરના કોપર વાયરના કુલ 147 બંડલ ચોરી લીધા અને ત્યાંથી નાસી છૂટ્યા.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. ચોરાયેલા માલની કુલ કિંમત રૂપિયા 18,72,990 આંકવામાં આવી છે. બોપલ પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!