ચૂંટણીનો ખેલ બદલાશે! ચૂંટણી પંચે લાગુ કર્યા નવા નિયમ, હવે મતદાન પર રહેશે ‘ત્રીજી આંખ’ની નજર

ચૂંટણી પંચે આગામી ચૂંટણીઓ માટે નિયમો કડક બનાવ્યા છે. હવે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓનું મતદાન CCTV કેમેરા હેઠળ થશે. જાણો ગેરરીતિ રોકવા માટે થયેલા આ મોટા ફેરફાર વિશે વિગતવાર.

નવી દિલ્હી, ગુરૂવાર
લોકશાહીના મહાપર્વ એટલે કે ચૂંટણીને વધુ પારદર્શક અને નિષ્પક્ષ બનાવવા માટે ભારતીય ચૂંટણી પંચે કમર કસી છે. આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પંચે અનેક મોટા નિર્ણયો લીધા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી દરમિયાન થતી ગેરરીતિઓને સંપૂર્ણપણે ડામવાનો છે. પંચે ખાસ કરીને પોસ્ટલ બેલેટ દ્વારા થતા મતદાન માટે નવા અને કડક નિયમો જાહેર કર્યા છે.

હવે CCTV કેમેરાની દેખરેખ હેઠળ થશે મતદાન
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા નવા દિશા-નિર્દેશો મુજબ, હવેથી ચૂંટણીની ફરજમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે મતદાનની પ્રક્રિયા પહેલા જેવી નહીં રહે. ચૂંટણી ફરજ પરના પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ સ્ટાફ, પોલીસકર્મીઓ અને અન્ય આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા મતદારોએ હવેથી માત્ર CCTV કેમેરાની સીધી નજર હેઠળ જ પોતાનો મત આપવાનો રહેશે. આ માટે બનાવવામાં આવેલા ‘ફેસિલિટેશન સેન્ટર’ અને ‘પોસ્ટલ વોટિંગ સેન્ટર’ પર આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઈ
ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને આ અંગેનો પત્ર મોકલી દીધો છે. નવા નિયમો મુજબઆવા તમામ મતદાન કેન્દ્રો પર કેન્દ્રીય પોલીસ દળ તહેનાત કરવું ફરજિયાત રહેશે. મતદાન કેન્દ્રોના મુખ્ય પ્રવેશદ્વાર (Entry Point) પર જ ફોર્સ તહેનાત કરાશે, જેથી કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિ અંદર પ્રવેશી ન શકે.

દરેક બૂથ પર રહેશે ‘ત્રીજી આંખ’
ચૂંટણી પ્રક્રિયાને વધુ વિશ્વસનીય બનાવવા માટે દરેક મતદાન મથકની અંદર પણ CCTV કેમેરા લગાવવામાં આવશે. જોકે, મતદારની ગોપનીયતા જળવાઈ રહે તે રીતે આ કેમેરા ગોઠવવામાં આવશે. જે-તે જિલ્લાના ચૂંટણી અધિકારી આ કેમેરાના લાઈવ ફૂટેજ પર સતત નજર રાખશે.

આટલું જ નહીં, દરેક બૂથ પર બારીકાઈથી નજર રાખવા માટે એક ‘ગ્રૂપ-B’ કક્ષાના અધિકારીને ‘માઈક્રો ઓબ્ઝર્વર’ તરીકે નિયુક્ત કરાશે. આ સિવાય, સામાન્ય નિરીક્ષકોને મતદાનના દિવસે ઓછામાં ઓછી 3 વખત મતદાન મથકોની મુલાકાત લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. મતદાન કેન્દ્રમાં મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે અને તેના પાલનની જવાબદારી સામાન્ય નિરીક્ષકની રહેશે.

ગેરરીતિની ફરિયાદો પર લાગશે લગામ
પંચે સ્પષ્ટ કર્યું છે કે નિયમ-18A હેઠળ, ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા મતદારો ફક્ત રિટર્નિંગ ઓફિસર દ્વારા નક્કી કરાયેલા ‘ફેસિલિટેશન સેન્ટર’ પર જ પોતાનો મત આપી શકશે. તેઓ અન્ય કોઈ રીતે મતદાન કરી શકશે નહીં. મતદાન પૂરું થયા પછી, રિટર્નિંગ ઓફિસર અને સામાન્ય નિરીક્ષક તમામ CCTV ફૂટેજ અને દસ્તાવેજોની ચકાસણી કરશે. જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ જોવા મળશે, તો તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ચૂંટણી પંચનું માનવું છે કે આ નવા અને કડક નિયમોને કારણે પોસ્ટલ બેલેટમાં થતી ગેરરીતિની ફરિયાદો પર મોટા પ્રમાણમાં અંકુશ મેળવી શકાશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વધુ નિષ્પક્ષ બનશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!