રાજસ્થાનમાં શાહરૂખ અને દીપિકા સામે FIR, જાણો શું છે આખો કેસ?

રાજસ્થાનમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સામે ફરિયાદ નોંધાઈ છે. જાણો શું છે આખો મામલો અને શા માટે બ્રાન્ડ એમ્બેસેડર પર આરોપ લાગ્યો છે.

રાજસ્થાન, ગુરુવાર
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બોલિવૂડના જાણીતા કલાકારો શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સહિત 7 લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે. આ FIR હ્યુન્ડાઈ કંપનીની ખામીયુક્ત કાર વેચવા બદલ કરવામાં આવી છે. ફરિયાદીનો આરોપ છે કે કંપની અને તેના બ્રાન્ડ એમ્બેસેડરના કારણે તેના પરિવારની જિંદગી જોખમમાં મુકાઈ છે.

શું છે સમગ્ર મામલો?
ભરતપુરના રહેવાસી કીર્તિ સિંહ નામના 50 વર્ષના વ્યક્તિએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદના આધારે, મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 406 (વિશ્વાસભંગ), 420 (છેતરપિંડી), અને 120-B (ગુનાહિત ષડયંત્ર) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કીર્તિ સિંહનો આરોપ છે કે તેમણે વર્ષ 2022માં 2,397,353ની કિંમતની હ્યુન્ડાઈ અલ્કાઝાર કાર ખરીદી હતી. આ ખરીદી માટે તેમણે 51,000નું એડવાન્સ પેમેન્ટ કર્યું હતું અને બાકીની રકમ લોન અને કેશ દ્વારા ચૂકવી હતી. જોકે, ખરીદ્યાના થોડા દિવસોમાં જ કારમાં ટેક્નિકલ ખામીઓ જોવા મળી હતી. તેમનું કહેવું છે કે કારનું એક્સિલરેટર દબાવતા RPM વધે છે, કાર ધ્રુજે છે, પરંતુ તેની ગતિ વધતી નથી. આ ખામીના કારણે તેમના અને તેમના પરિવારના જીવ જોખમમાં મુકાયા છે.

શાહરૂખ-દીપિકા કેમ ફસાયા?
ફરિયાદી કીર્તિ સિંહનો મુખ્ય આરોપ છે કે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે. શાહરૂખ વર્ષ 1998થી જ્યારે દીપિકા વર્ષ 2023થી હ્યુન્ડાઈ સાથે જોડાયેલા છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, આ કલાકારો કંપનીની ખરાબ પ્રોડક્ટ્સને પ્રમોટ કરે છે, જેના કારણે લોકો ગેરમાર્ગે દોરાય છે. તેથી, આ ગુનામાં તેઓ પણ સામેલ છે.

કોની સામે ફરિયાદ નોંધાઈ?
આ કેસમાં શાહરૂખ અને દીપિકા ઉપરાંત, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના CEO કિમ અન્સો, હોલ ટાઈમ ડિરેક્ટર તરુણ ગર્ગ, માલવા ઓટો સેલ્સના MD નીતિન શર્મા અને ડિરેક્ટર પ્રિયંકા શર્મા સહિત કુલ 7 લોકો સામે FIR નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!