ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ-II દ્વારા અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેસાણા-અમદાવાદ હાઈવે પરથી 14,32,200 રૂપિયા ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

ગાંધીનગર, શનિવાર
પોલીસ અધિક્ષક, રવિ તેજા વાસમશેટ્ટી, ગાંધીનગર જિલ્લા અને નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ દ્વારા જિલ્લામાં અન્ય રાજ્યોમાંથી બુટલેગરો દ્વારા થતી દારૂની ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે, LCB-2 ના પો.ઇન્સ. એચ.પી.પરમાર ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. કે.કે.પાટડીયા, પો.સ.ઇ. આર.જી.દેસાઇ, પો.સ.ઇ. બી.એચ.ઝાલા અને પો.સ.ઇ. એન.બી.રાઠોડ તેમજ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી દારૂની હેરાફેરી અટકાવવા માટે સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આજે LCB-2ની ટીમ અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન, હે.કો. વિપુલભાઈ નાથુભાઈ, એ.એસ.આઈ. નરેશકુમાર વિરજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ સહેન્દ્રસિંહ ને સંયુક્ત રીતે ગુપ્ત માહિતી મળી હતી કે, એક કાળા રંગની મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી નંબર RJ-39-UA-2414 માં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ભરીને મહેસાણાથી અમદાવાદ તરફ જઈ રહી છે. આ માહિતીના આધારે, LCB ટીમે મહેસાણા-અમદાવાદ હાઈવે પર શેરથા ગામના કટ પાસે નાકાબંધી ગોઠવી હતી.
બાતમીવાળી ગાડી આવતા જ, પોલીસે બેરીકેટીંગ કરીને અને હાથના ઈશારાથી ગાડી ઉભી રખાવી હતી. ગાડીના ચાલક દિનેશભાઈ વાઘારામ ચૌધરી, રહે. બાંકાના ધારાસર, તા. ચોટન, જી. બાડમેર, રાજસ્થાન ને પકડી પાડવામાં આવ્યો હતો. ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1332 બોટલ/બિયર જેની કિંમત 4,27,200 રૂપિયા હતી, તે મળી આવી હતી. આ ઉપરાંત, મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી જેની કિંમત 10,00,000 રૂપિયા અને 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ મળીને 14,32,200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને દિનેશભાઈ વાઘારામ ચૌધરી વિરુદ્ધ અડાલજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સફળ કામગીરીમાં પો.ઇન્સ. એચ.પી.પરમાર, એ.એસ.આઈ. નરેશકુમાર વિરજીભાઈ, હે.કો. વિપુલકુમાર નાથુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ સહેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ જયસ્મીતરાજસિંહ મહેન્દ્રસિંહ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.











