ચિલોડા હિટ એન્ડ રન કેસમાં ફરાર કારચાલક ઝડપાયો

ચંદ્રાલા પાસે ફોરવ્હીલરે એક્ટિવાને ટક્કર મારતાં યુવતીનું મોત, ત્રણ લોકોને ઈજા પહોંચી હતી : CCTV અને ટેક્નિકલ એનાલિસિસના આધારે પોલીસે આરોપીને ઝડપી ફોરવ્હીલ કાર પણ કબજે કરી

ચિલોડા, શુક્રવાર : ચિલોડાથી હિંમતનગર તરફ જતા નેશનલ હાઇવે-48 પર ચંદ્રાલા ગામ નજીક સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં યુવતીનું મોત નિપજાવી ફરાર થયેલા ફોરવ્હીલ કારચાલકને ચિલોડા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે અકસ્માતમાં સંડોવાયેલી GJ-18-ED-7824 નંબરની ફોરવ્હીલ કાર પણ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, 19 ઓગસ્ટ 2026ના રોજ ચંદ્રાલા નજીક હાઇવે પર GJ-01-YV-8168 નંબરની એક્ટિવા પસાર થઈ રહી હતી. દરમિયાન સફેદ રંગની ફોરવ્હીલ કારના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી એક્ટિવાને ટક્કર મારી હતી.

અકસ્મતમાં એક્ટિવા પર સવાર ફરિયાદી, તેમની પત્ની અને દીકરાને શરીરે ઈજાઓ પહોંચી હતી, જ્યારે ફરિયાદીની દીકરી આરોહીને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ફોરવ્હીલ કારચાલક સ્થળ પરથી વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ મામલે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ ફરાર વાહન અને ચાલકને શોધવા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. નેશનલ હાઇવે-48 પર આવેલા ટોલટેક્સ, પેટ્રોલ પંપ, હોટલ અને રેસ્ટોરન્ટ સહિતના સ્થળોના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. સાથે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે શંકાસ્પદ વાહનની ઓળખ કરવામાં આવી હતી.

પોલીસ તપાસ દરમિયાન અકસ્માતમાં સંડોવાયેલી GJ-18-ED-7824 નંબરની ફોરવ્હીલ કાર હોવાનું સામે આવ્યું હતું. તેના આધારે પોલીસે સુજીત એસ.ઓ. બાબુરાવ જાધવ, ઉંમર 36 વર્ષને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી અકસ્માતમાં વપરાયેલી ફોરવ્હીલ કાર પણ કબજે કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી અને દહેગામ ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક આયુષ જૈનના માર્ગદર્શન હેઠળ ચિલોડા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.

MITUFAB SOLANKI
Author: MITUFAB SOLANKI

Leave a Comment

Read More

error: Content is protected !!