વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે એકદિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો, પંચાયતી રાજ વ્યવસ્થા, નાણાકીય વ્યવસ્થાપન અને ઇ-ગ્રામ સ્વરાજ અંગે અપાયું માર્ગદર્શન : ધારાસભ્ય જે.એસ. પટેલ અને અલ્પેશ ઠાકોર રહ્યા ઉપસ્થિત; ‘સશક્ત પંચાયત, સશક્ત ગામ, સશક્ત ગુજરાત’ના સંકલ્પ પર મુકાયો ભાર

ગાંધીનગર, શુક્રવાર : પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સુદ્રઢ, લોકાભિમુખ અને સુગ્રથિત બનાવવાના ઉદ્દેશ સાથે જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ગાંધીનગરના સેક્ટર-19 સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે એકદિવસીય ‘ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોના કુલ 132 નવનિયુક્ત પદાધિકારીઓ અને સદસ્યોએ ભાગ લીધો હતો. તાલીમ સત્રના પ્રારંભે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નિલોફર શેખે ઉપસ્થિત મહાનુભાવો અને તાલીમાર્થીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે તાલીમના મુખ્ય હેતુ અંગે માહિતી આપતા પંચાયતી રાજ વ્યવસ્થાના સશક્તિકરણ તેમજ છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.

નવનિયુક્ત પદાધિકારીઓને સંબોધતા ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, “તમને મળેલું પદ માત્ર હોદ્દો નથી, પરંતુ ગ્રામ્ય વિકાસ અને પ્રજાસેવાની એક મહત્વપૂર્ણ તક છે.” પંચાયતી રાજ લોકશાહીનો પાયો છે અને સ્થાનિક પદાધિકારીઓ ગામના લોકોની જરૂરિયાતો તથા પ્રશ્નોને સૌથી નજીકથી સમજી શકે છે. તેમણે જણાવ્યું હતું કે તાલીમનો મુખ્ય હેતુ પદાધિકારીઓને કાયદાકીય જોગવાઈઓ, ગુજરાત પંચાયત અધિનિયમ, કારોબારી નિયમો, નાણાકીય વ્યવસ્થાપન અને વિવિધ સમિતિઓની કામગીરી અંગે વ્યવહારુ સમજ આપવાનો છે. તાલીમાર્થીઓને પોતાના વિસ્તારની વાસ્તવિક સમસ્યાઓ સાથે તાલીમના વિષયોને જોડીને સક્રિય રીતે શીખવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.
ગામોમાં શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું પાણી અને રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત કરવાની સાથે સુશાસન અને પારદર્શિતા જાળવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. મહિલાઓ, બાળકો અને નબળા વર્ગો સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવા તેમજ ડિજિટલ સેવાઓ અને ઇ-ગવર્નન્સ પોર્ટલનો વધુ ઉપયોગ કરીને વહીવટમાં પારદર્શિતા લાવવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તાલીમમાંથી મેળવેલું જ્ઞાન જ્યારે ગામોના વિકાસમાં ઉપયોગી બનશે ત્યારે જ તાલીમની સાચી સફળતા ગણાશે. તાલીમ બાદ જનપ્રતિનિધિઓ ‘સશક્ત પંચાયત, સશક્ત ગામ, સશક્ત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
પ્રથમ તાલીમ સત્રમાં પંચાયતી રાજ વ્યવસ્થાનો વિગતવાર પરિચય આપવામાં આવ્યો હતો. જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સ્થાનિક સ્વરાજ્યમાં ભૂમિકા, વૈધાનિક સત્તાઓ, ફરજો અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બીજા સત્રમાં 15મા નાણાપંચ અંતર્ગત યોજનાઓનું આયોજન અને અમલીકરણ, ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલનો વહીવટી ઉપયોગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો, નાણાકીય વ્યવસ્થાપન, પારદર્શિતા અને જવાબદેહી જેવા મહત્વપૂર્ણ વિષયો આવરી લેવામાં આવ્યા હતા. 
બપોર બાદ વિવિધ શાખાધિકારીઓએ પંચાયત વહીવટને લગતા વિવિધ વિષયો પર સદસ્યો સાથે સીધો સંવાદ કરી ચર્ચા-વિચારણા કરી હતી. આયોજકોના જણાવ્યા અનુસાર આ તાલીમ નવનિયુક્ત જનપ્રતિનિધિઓની કાર્યક્ષમતા વધારવા તેમજ ગાંધીનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવામાં ઉપયોગી બનશે. તાલીમાર્થીઓનો ઉત્સાહ વધારવા માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ ચૌધરી, કારોબારી ચેરમેન દિલીપસિંહ સોલંકી, દહેગામ તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પટેલ, કલોલ તાલુકા પંચાયત પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હાર્દિક સતાસીયા અને કાદંબરી ત્રિવેદી સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.











