મહીસાગર નદીમાંથી 19 મૃતદેહો મળ્યા, 1નું સારવાર દરમિયાન મોત; પરિવારજનોમાં આક્રોશ

વડોદરા, શનિવાર
મહીસાગર જિલ્લાના મુજપુર પાસે આવેલા ગંભીરા બ્રિજની દુર્ઘટનાને આજે 4 દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ પણ લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે. આ ભયાવહ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેહો મહીસાગર નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. જોકે, દુર્ઘટનાનો ભોગ બનેલા નરસિંહાપુરા ગામના યુવક વિક્રમસિંહ પઢીયારનો ચોથા દિવસે પણ કોઈ પત્તો લાગ્યો નથી, જેને કારણે તેના પરિવારજનોમાં ભારે ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
શું બની હતી ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર, વિક્રમસિંહ પઢીયાર પોતાના પિતરાઈ ભાઈને બાઈક પર મૂકવા દેવપુરા ગામ જઈ રહ્યા હતા. સવારે અંદાજે 7:30 વાગ્યે જ્યારે બ્રિજ તૂટી પડ્યો, ત્યારે તેઓ બાઈક સાથે નદીમાં ખાબક્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી સતત શોધખોળ ચાલી રહી હોવા છતાં, તેમનો કોઈ સુરાગ મળ્યો નથી. વિક્રમના પરિવારજનો છેલ્લા 4 દિવસથી નદી કિનારે ઉભા રહીને તેમની એક ઝલક જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને તંત્ર પાસે શોધખોળને વધુ ઝડપી બનાવવાની વિનંતી કરી રહ્યા છે.
ભ્રષ્ટ તંત્ર પર ઉઠતા સવાલો
સ્થાનિકો અને દુર્ઘટનાના સાક્ષીઓ જણાવી રહ્યા છે કે બ્રિજના તૂટી પડેલા ભાગની નીચે હજુ પણ મૃતદેહો દબાયેલા હોવાની શક્યતા છે. આ સમગ્ર ઘટના તંત્રની ભ્રષ્ટ અને બેદરકાર નીતિઓ સામે ગંભીર સવાલો ઉભા કરે છે. મુજપુર-ગંભીરા દુર્ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ ભ્રષ્ટાચારના ભરેલા પગલાંનું ઘોર પરિણામ બનીને ઉભરી આવી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર વિકાસના નામે થતા ભ્રષ્ટાચાર અને બેદરકારીની પોલ ખોલી નાખી છે.











