આ મામલે સેક્ટર-7 પોલીસે બેદરકારી દાખવી અકસ્માત સર્જનાર ક્રેન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ક્રેન ડ્રાઇવરની શોધખોળ શરૂ કરી છે અને ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે.

ગાંધીનગર, સોમવાર
શહેરના સેક્ટર-15 વિસ્તારમાં આવેલી ગવર્નમેન્ટ કોમર્સ કોલેજ પાસે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. એક બેફામ સ્પીડમાં આવી રહેલી ક્રેનના ડ્રાઇવરે ગફલતભરી રીતે વાહન ચલાવીને સાઇકલ પર જઈ રહેલા એક વૃદ્ધને ટક્કર મારી દેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ બપોરના સમયે પીળા કલરની એક ક્રેન GJ-24-CQ-1741નો ડ્રાઇવર સેક્ટર-15 કોલેજ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા પોતાની આગળ સાઇકલ પર જઈ રહેલા 58 વર્ષીય બબાભાઈ રામજી રબારીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
ટક્કર એટલી ભયાનક હતી કે બબાભાઈ સાઇકલ પરથી નીચે પટકાયા હતા અને ક્રેનનું તોતિંગ વ્હીલ તેમના શરીર પરથી ફરી વળ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં તેમને માથા, ડાબા ખભા, હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
108એ મારફતે હોસ્પિટલ પહોંચાડાયા હતા
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક નાગરિક રાકેશ મેલાજી ઠાકોરે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગંભીર રીતે ઘવાયેલા બબાભાઈને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.
પરિવાર પર તૂટી પડ્યો આભ
મૃતક બબાભાઈ રબારી અપરણિત હતા અને ગાંધીનગરમાં જ તેમના ભત્રીજા મહેન્દ્રભાઈ દેસાઈના પરિવાર સાથે રહેતા હતા. હોસ્પિટલમાંથી મળેલ એક ડાયરીમાંના ફોન નંબર પરથી પોલીસે મહેન્દ્રભાઈનો સંપર્ક કરીને દુઃખદ ઘટનાની જાણ કરી હતી. પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમના પર આભ તૂટી પડ્યું હતું.











