ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ યુદ્ધના ધોરણે ચાલુ, 62% ખાડા ભરાયા અને 51% માઈનોર પેચવર્ક પૂર્ણ થયાનો દાવો

માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં નાગરિકોને કોઈ અસુવિધા ન થાય તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને રસ્તાઓના મરામતની કામગીરી સત્વરે પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

 

ગાંધીનગર, સોમવાર
ગુજરાતમાં ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાઓને ભારે નુકસાન થયું હતું. નાગરિકોને ખરાબ રસ્તાઓના કારણે પડતી મુશ્કેલીઓ નિવારવા માટે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ મુજબ, રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરીને રસ્તાઓને પૂર્વવત કરવામાં આવી રહ્યા છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. માઇનર પેચવર્કમાં 1,893 કિ.મી. રસ્તાઓમાંથી 957 કિ.મી. એટલે કે 51% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તો મેજર પેચવર્ક 1,074 કિ.મી. રસ્તાઓમાંથી 425 કિ.મી. એટલે કે 40% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પોટહોલ્સમાં ભરવાની કામગીરીમાં કુલ 14,169 માઇનોર પોટહોલ્સમાંથી 8,841 એટલે કે 62% થી વધુ પોટહોલ્સ ભરવામાં આવ્યા છે. કોન્ક્રીટથી ભરેલા પોટહોલ્સ 243 છે.પેવર બ્લોકથી ભરેલા પોટહોલ્સ 138 છે. મેટલથી ભરેલા પોટહોલ્સ 5,480 છે. ડામરથી ભરેલા પોટહોલ્સ 2,840 છે. બાકી રહેલા રસ્તાઓના મરામતની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલુ છે.

ડાયવર્ઝન અને ઇન્સ્પેક્શનની સ્થિતિ
ભારે વરસાદના કારણે રાજ્યમાં કુલ 183 રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. આ પૈકી 154 રસ્તાઓનું ક્વોલિટી કંટ્રોલ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા 12 રસ્તાઓનું સ્ટ્રક્ચર પૂર્ણ થતા તેમના પર અને અન્ય 3 વૈકલ્પિક રસ્તાઓ પર ટ્રાફિક ફરીથી ચાલુ કરવામાં આવ્યો છે. 98 ડાયવર્ઝન સારી કન્ડિશનમાં છે. 41 ડાયવર્ઝન રિપેરિંગ હેઠળ છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં નાગરિકોને કોઈ અસુવિધા ન થાય તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને રસ્તાઓના મરામતની કામગીરી સત્વરે પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!