રખિયાલ પોલીસે દહેગામ-બાયડ હાઇવે પરથી લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે એક ક્રેટા કાર જપ્ત કરી છે. ફિલ્મી ઢબે પીછો કરી રાજસ્થાનના એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી.

દહેગામ, સોમવાર
રખિયાલ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે દહેગામ-બાયડ હાઇવે પરથી પસાર થતી એક નંબર પ્લેટ વગરની સફેદ ક્રેટા કારનો ફિલ્મી ઢબે પીછો કરીને તેને ઝડપી પાડી છે. ગાડીમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે અને રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવની સૂચના હેઠળ રખિયાલ પોલીસ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન, પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ.અસારીની ટીમના પોલીસ કોન્સ્ટેબલ અક્ષયસિંહ વિક્રમસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે એક નંબર પ્લેટ વગરની સફેદ ક્રેટા ગાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને દહેગામ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે, પોલીસે મીઠાના મુવાડા ગામ નજીક મેશ્વો નદીના પુલ પાસે વોચ ગોઠવી દીધી હતી.

ફિલ્મી ઢબે પીછો અને ધરપકડ
થોડા સમય બાદ, બાતમીવાળી ક્રેટા ગાડી આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો, પરંતુ ચાલકે ગાડી રોકવાને બદલે સ્પીડ વધારી દીધી. પોલીસે વાહનોની આડાસ કરીને રસ્તો રોક્યો તો બુટલેગરે પોતાની ગાડીથી ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ કર્યો. જે બાદ પોલીસે તેનો પીછો શરૂ કર્યો. બચવા માટે ડ્રાઇવરે ગાડીને કાચા રસ્તા પર ઉતારી દીધી, પરંતુ થોડે દૂર જતાં ગાડી ફસાઈ ગઈ હતી. પોલીસે તરત જ ગાડીને ઘેરી લઈ ડ્રાઇવરને દબોચી લીધો હતો.
લાખોનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળીને કુલ 1056 નંગ જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 2,69,280 રૂપિયા થાય છે. આ ઉપરાંત, પોલીસે 1 મોબાઇલ ફોન, ચાર અલગ-અલગ નંબર પ્લેટો અને ક્રેટા ગાડી સહિત કુલ 9,74,280 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલા આરોપીની ઓળખ પ્રવિણકુમાર વક્તારામ રબારી ઉંમર વર્ષ 27 તરીકે થઈ છે, જે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના આહોર તાલુકાનો રહેવાસી છે. રખિયાલ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ.અસારી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.











