સુપ્રીમ કોર્ટ પરિસરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બીઆર ગવઈ પર બૂટ ફેંકવાના નિષ્ફળ પ્રયાસથી દેશના ન્યાયતંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

સુપ્રીમ કોર્ટ પરિસરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બીઆર ગવઈ પર બૂટ ફેંકવાના નિષ્ફળ પ્રયાસથી દેશના ન્યાયતંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર ઘટના બાદ તરત જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ CJI ગવઈ સાથે ફોન પર વાત કરી હતી અને આ કૃત્યને ‘ઘૃણિત’ અને ‘નિંદનીય’ ગણાવીને તેની આકરી નિંદા કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરીને CJI પર થયેલા હુમલા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, “મેં ભારતના મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ બીઆર ગવઈ સાથે વાત કરી. આજે સવારે સુપ્રીમ કોર્ટ પરિસરમાં તેમના પર થયેલા હુમલાએ સમગ્ર દેશના દરેક નાગરિકને વ્યથિત કરી દીધો છે. આપણા સમાજમાં આવી ઘૃણિત હરકતોની કોઈ જગ્યા નથી. આ અત્યંત નિંદનીય છે.
આ ઘટના સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન બની હતી, જ્યારે 71 વર્ષીય એક વકીલે કથિત રીતે મુખ્ય ન્યાયાધીશ તરફ બૂટ ઉછાળવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ વિવાદ CJI ગવઈ દ્વારા ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી એક ટીપ્પણીના કારણે ઉભો થયો હતો. જોકે, ઘટના બાદ કોર્ટ પરિસરમાં હાજર સુરક્ષાકર્મીઓએ તરત જ આરોપીને પકડી લીધો હતો અને કસ્ટડીમાં લીધો હતો. આ ગંભીર ઘટના બાદ પણ CJI જસ્ટિસ ગવઈએ પોતાનો સંયમ જાળવી રાખ્યો હતો. તેમણે આ ઘટનાને હળવાશથી લીધી અને કોર્ટરૂમમાં હાજર વકીલોને તેમની દલીલો ચાલુ રાખવા વિનંતી કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રકારની બાબતોથી તેમનું મનોબળ જરા પણ પ્રભાવિત નહીં થાય.










