ફરિયાદમાં જણાવ્યા મુજબ, સુભાષ જોષી જ્યારે આ લોનનો હિસાબ માંગતા, ત્યારે બંને ભાઈઓ વધુ પૈસા પડાવવા માટે દબાણ કરતા. 2025માં દિલીપભાઈએ સુભાષને 10 લાખની લોન આપવાની વાત કરી, પરંતુ તેમાંથી 6 લાખ તો વ્યાજ પેટે કાપી લીધા અને માત્ર 4 લાખ જ આપ્યા.

ગાંધીનગર, ગુરૂવાર
ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં રહેતા સુભાષ જટાશંકર જોષી નામના પોલિયોગ્રસ્ત વ્યક્તિના ગુમ થવાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. ગત 25 જુલાઈના રોજ તેમના ગુમ થયા બાદ પત્ની દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હવે સુભાષ જોષી પોતે સામે આવ્યા છે અને તેમણે પોરબંદરના બે ભાઈઓ સામે વ્યાજખોરી અને ધાકધમકીની ફરિયાદ નોંધાવી છે. તેમણે ખુલાસો કર્યો છે કે આ વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને તેમને ઘર છોડવાની ફરજ પડી હતી.
લોનનું વિષચક્ર
ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સુભાષ જોષીએ વર્ષ 2010માં પોતાના બિઝનેસ માટે પોરબંદરના રામભાઈ ઓડેદરા પાસેથી 3 લાખની લોન લીધી હતી. આ લોન પર માસિક 10 ટકાના ઊંચા વ્યાજની શરત હતી. જો વ્યાજ સમયસર ન ચૂકવાય, તો રામભાઈ અઠવાડિયા દીઠ વધુ 10 ટકાની પેનલ્ટી વસૂલતા હતા. આ રીતે, વ્યાજનું ચક્રવ્યૂહ ગંભીર બનતું ગયું.
સમય જતાં, રામભાઈના નાના ભાઈ દિલીપભાઈએ આ વ્યાજની ઉઘરાણીનું કામ સંભાળી લીધું. તેમણે ધાકધમકી આપીને સુભાષ જોષી પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું. સુરક્ષાના ભાગરૂપે તેમણે સુભાષ જોષીના 6 કોરા ચેક પણ લઈ લીધા હતા.
70 લાખની વસૂલાત અને જીવથી મારી નાખવાની ધમકી
ફરિયાદમાં જણાવ્યા મુજબ, સુભાષ જોષી જ્યારે આ લોનનો હિસાબ માંગતા, ત્યારે બંને ભાઈઓ વધુ પૈસા પડાવવા માટે દબાણ કરતા. 2025માં દિલીપભાઈએ સુભાષને 10 લાખની લોન આપવાની વાત કરી, પરંતુ તેમાંથી 6 લાખ તો વ્યાજ પેટે કાપી લીધા અને માત્ર 4 લાખ જ આપ્યા. આખરે, 19 મે, 2025ના રોજ દિલીપભાઈ સુભાષના ઘરે ગયા અને વ્યાજની ઉઘરાણી કરી તેમને જીવથી મારી નાખવાની ધમકી આપી.
આ ધમકીઓ અને ત્રાસથી ડરીને સુભાષ જોષીને 25 જુલાઈના રોજ પોતાનું ઘર છોડવાની ફરજ પડી.
પોલીસને મળેલી માહિતી મુજબ, આ બંને ભાઈઓ પાસે નાણાં ધીરવાનું કોઈ લાયસન્સ નથી. તેમ છતાં, તેમણે છેલ્લા 15 વર્ષમાં રોકડ અને બેંક ટ્રાન્સફર દ્વારા સુભાષ જોષી પાસેથી અંદાજે 70 લાખ રૂપિયા પડાવી લીધા છે. ઈન્ફોસિટી પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.










