આ કેસ ગાંધીનગરની ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલ્યો. સરકાર પક્ષે સરકારી વકીલ પ્રીતેશ ડી. વ્યાસે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કર્યા. તેમણે દસ્તાવેજી પુરાવા, મૌખિક જુબાનીઓ અને અન્ય લેખિત પુરાવાઓ દ્વારા કોર્ટમાં ધારદાર દલીલો કરી.

ગાંધીનગર, ગુરૂવાર
કલ્પસર પ્રોજેક્ટના એક ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરને લાંચ કેસમાં કોર્ટે દોષિત ઠેરવીને સજા ફટકારી છે. 16 વર્ષ જૂના આ કેસમાં ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે આરોપી નટવરભાઈ વિઠ્ઠલભાઈ પટેલને 1 વર્ષ અને 6 મહિનાની કેદની સજા અને 10,000નો દંડ ભરવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો ભ્રષ્ટાચાર સામે કાયદાની કડક કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશ આપે છે.
શું હતો આખો કેસ?
આ ઘટના વર્ષ 2008ની છે. ફરિયાદીએ પોતાની ‘વારાહી ટ્રાવેલ્સ’ની ગાડીઓ કલ્પસર મિકેનિકલ સેલની ઓફિસમાં ભાડેથી આપી હતી. ગાડીઓના ભાડા પેટે તેમને 24,276 મળવાના હતા. આ બિલ પાસ કરવા માટે આરોપી નટવરભાઈ પટેલે ફરિયાદી પાસે 4,000ની લાંચ માગી હતી.
ફરિયાદીએ તાત્કાલિક ગાંધીનગર એ.સી.બી. નો સંપર્ક કર્યો અને એક ટ્રેપ ગોઠવવામાં આવી. એ.સી.બી.એ ગોઠવેલા છટકામાં નટવરભાઈ પટેલ 4,000ની લાંચ લેતા રંગેહાથ પકડાઈ ગયા હતા. તે સમયે તેમની વિરુદ્ધ ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.
કોર્ટે કડક વલણ અપનાવ્યું
આ કેસ ગાંધીનગરની ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલ્યો. સરકાર પક્ષે સરકારી વકીલ પ્રીતેશ ડી. વ્યાસે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કર્યા. તેમણે દસ્તાવેજી પુરાવા, મૌખિક જુબાનીઓ અને અન્ય લેખિત પુરાવાઓ દ્વારા કોર્ટમાં ધારદાર દલીલો કરી. તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે નટવરભાઈ પટેલને દોષિત ઠેરવ્યા અને ભ્રષ્ટાચારના આ ગુના બદલ તેમને સજા સંભળાવી. આ ચુકાદો જાહેર ક્ષેત્રમાં કામ કરતા અધિકારીઓ માટે એક લાલબત્તી સમાન છે.










