ગાંધીનગરના રણાસણ ખાતે લેબર કોલોનીમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર ડભોડા પોલીસે દરોડો પાડી 11 શખ્સો સહિત રૂપિયા 1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.

ગાંધીનગર જિલ્લાના નેશનલ હાઈવે 48 પર આવેલા રણાસણ ગામ નજીકની એક લેબર કોલોનીમાં ધમધમતા હાઈપ્રોફાઈલ જુગારધામનો ડભોડા પોલીસે પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી 11 જેટલા મોટા માથાઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
લેબર કોલોનીમાં ઊભો કરાયો હતો લક્ઝુરિયસ અડ્ડો
પોલીસની નજરથી બચવા માટે નાના ચિલોડાના રાકેશ ભરવાડે લેબર કોલોનીના સર્વે નંબર 147ના પ્રથમ માળે એક આલીશાન સિક્રેટ રૂમ તૈયાર કર્યો હતો. સોફા, ડબલ બેડ અને પંખા જેવી સુવિધાઓથી સજ્જ આ સ્થળે અમદાવાદ અને ગાંધીનગરના કન્સ્ટ્રક્શન તેમજ જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ લાખો રૂપિયાની હારજીતની બાજી લગાવતા હતા.
નાસભાગનો પ્રયાસ છતાં 11 શખ્સો ઝડપાયા
પોલીસ ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે સંચાલક રાકેશ ભરવાડે દરવાજો ખોલ્યો હતો. અંદર ડબલ બેડ અને સોફા પર બેસીને પત્તા ટીંચતા જુગારીઓએ પોલીસને જોતાં જ નાસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે સમગ્ર પરિસરને પહેલેથી ઘેરી લીધું હોવાથી તમામ 11 આરોપીઓ સ્થળ પર જ દબોચાઈ ગયા હતા.
રૂપિયા 1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે દાવ પરથી રૂપિયા 33,500 અને અંગઝડતી દરમિયાન રૂપિયા 6.69 લાખ રોકડા મેળવ્યા હતા. આ ઉપરાંત રૂપિયા 5.42 લાખની કિંમતના 11 સ્માર્ટફોન અને રૂપિયા 92 લાખની કિંમતની 5 લક્ઝુરિયસ ફોર વ્હીલ કાર સહિત કુલ રૂપિયા 1.04 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓની યાદી
પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીઓમાં રાકેશભાઈ રણછોડભાઈ ભરવાડ (મુખ્ય સંચાલક – નાના ચિલોડા), રણજીતસિંહ ઓમસિંહ સોલંકી (નાના ચિલોડા), સતિષજી સુખદેવજી ઠાકોર (ગોળવંટા), વિજયકુમાર રાવજીભાઈ પટેલ (પ્રાંતિયા), વિશાલ સુરેશભાઈ બ્રહ્મભટ્ટ (સૈજપુર બોઘા), કિરણભાઈ કચરાભાઈ પ્રજાપતી (વલાદ), રમેશભાઈ રેવાભાઈ ભરવાડ (નાના ચિલોડા), રાજુભાઈ રમુભાઈ ભરવાડ (વસ્ત્રાલ), રાકેશભાઈ દશરથભાઈ પટેલ (કઠવાડા રોડ), રમેશભાઈ રણછોડભાઈ ભરવાડ (નાના ચિલોડા) અને દિનેશભાઈ વિરમભાઈ દેસાઈ (જશોદાનગર) સામેલ છે.











