રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 131 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં તાપીના ડોલવાણ અને નવસારીના ખેરગામમાં સૌથી વધુ પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારે 6થી 10 વાગ્યા સુધીના સમયગાળામાં 56 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, જેમાં સુરતના બારડોલીમાં મહત્તમ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.
સિઝનનો સરેરાશ વરસાદ સામાન્ય સ્તરે પહોંચ્યો
વર્તમાન ચોમાસાની સિઝનના આંકડા મુજબ ગુજરાત પ્રદેશમાં સરેરાશ કરતાં 19 ટકા વધુ વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં હજુ પણ સામાન્ય કરતાં 25 ટકા જેટલી ઘટ જોવા મળી રહી છે. સમગ્ર રાજ્યની સ્થિતિ જોતાં સામાન્ય 505.7 મિમી વરસાદની સરખામણીએ અત્યાર સુધીમાં 506.5 મિમી વરસાદ વરસી ચૂક્યો છે.
14 જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આજે સાંજે 4 વાગ્યા સુધી અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં મુશળધાર વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે
રાજ્ય પર હાલ મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશન સહિત કુલ પાંચ હવામાન સિસ્ટમો એકસાથે સક્રિય છે. જેના પ્રભાવથી 17થી 23 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે, જ્યારે અમદાવાદમાં વાદળછાયા આકાશ વચ્ચે હળવા ઝાપટાં પડવાની સંભાવના છે.
દરિયાકાંઠે ભારે પવનને પગલે માછીમારોને ચેતવણી
હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. સંભવિત જોખમને ધ્યાને રાખીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે તંત્ર તરફથી કડક સૂચના આપવામાં આવી છે.











