ગાંધીનગરની સ્કૂલમાં હોમવર્ક ન કરનાર વિદ્યાર્થિનીને લાફો મારનાર શિક્ષિકાને કોર્ટે 3 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો છે. લાફાને કારણે વિદ્યાર્થિનીને કાનમાં બહેરાશ આવી ગઈ હતી. જાણો કોર્ટના આ સીમાચિહ્નરૂપ ચુકાદા વિશે.

ગાંધીનગર, મંગળવાર
શાળાઓમાં બાળકો પર હાથ ઉપાડવો કે શારીરિક શિક્ષા કરવી તે હવે શિક્ષકો માટે ભારે પડી શકે છે. ગાંધીનગરની એક સ્કૂલમાં બનેલી આવી જ એક ઘટનામાં કોર્ટે લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે. માત્ર હોમવર્ક ન કરવા બદલ વિદ્યાર્થિનીને લાફો મારી કાનમાં કાયમી નુકસાન પહોંચાડનાર શિક્ષિકાને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી છે. આ ચુકાદાથી શિક્ષણ જગતમાં સોપો પડી ગયો છે.
શું હતી સમગ્ર ઘટના?
આ કિસ્સો વર્ષ 2020નો છે. ગાંધીનગરની જાણીતી ‘વસંતકુવર બા સ્કૂલ’માં ધોરણ 9માં અભ્યાસ કરતી એક 14 વર્ષીય વિદ્યાર્થિની સાથે આ ઘટના બની હતી. વિદ્યાર્થિનીએ હોમવર્ક ન કર્યું હોવાથી શિક્ષિકા પારૂલબેન રજનીકાંત પટેલ ગુસ્સે ભરાયા હતા. ગુસ્સાના આવેશમાં આવીને તેમણે માસૂમ બાળકીને એટલા જોરથી લાફા ઝીંક્યા હતા કે બાળકીને ડાબા કાનમાં ગંભીર ઈજા પહોંચી હતી. ડોક્ટરી તપાસમાં સામે આવ્યું હતું કે શિક્ષિકાના મારને કારણે વિદ્યાર્થિનીને કાનમાં બહેરાશ આવી ગઈ હતી.
કોર્ટે ફટકારી કડક સજા
ગાંધીનગરની સીજેઆઈ (CJI) કોર્ટે આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને આરોપી શિક્ષિકાને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે બે અલગ-અલગ કલમો હેઠળ સજા સંભળાવી છે:
IPC કલમ 325 હેઠળ: કોર્ટે ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 248(2) મુજબ શિક્ષિકાને દોષિત ઠેરવી 3 વર્ષ અને 3 મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. સાથે જ 25,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે.
JJA (Juvenile Justice Act) કલમ 75 હેઠળ: બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોર્ટે આ કલમ હેઠળ શિક્ષિકાને 1 વર્ષની સાદી કેદ અને બીજા 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
દંડની રકમ પીડિતાને મળશે
કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે CrPCની કલમ 357 મુજબ, શિક્ષિકા પાસેથી વસૂલવામાં આવેલી દંડની કુલ રકમ (બંને સજા મળીને કુલ 50,000 રૂપિયા) પીડિત વિદ્યાર્થિનીને વળતર પેટે ચૂકવવામાં આવશે. જો આરોપી શિક્ષિકા દંડ ન ભરે તો તેમણે બંને કેસમાં વધુ 15-15 દિવસની સાદી જેલ ભોગવવી પડશે.
શિક્ષકો માટે કડક સંદેશ
આ ચુકાદો રાજ્યભરના શિક્ષકો અને શાળાઓ માટે એક ચેતવણી સમાન છે. કોર્ટે આ આદેશ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે શિક્ષણના નામે બાળકો પર શારીરિક અત્યાચાર જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. જો કોઈ શિક્ષક બાળક પર હાથ ઉપાડશે તો કાયદો કડક હાથે કામ લેશે.










