સુપ્રીમ કોર્ટે વોટ્સએપ અને મેટાને કડક ચેતવણી આપી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું- ‘નિયમો પાળો નહીં તો ભારત છોડો’. જાણો યુઝર્સના ડેટા અને પ્રાઈવસી અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું અને કંપનીને કેમ ફટકાર લગાવી.

નવી દિલ્હી, મંગળવાર
સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા દિગ્ગજ વોટ્સએપ અને તેની પેરેન્ટ કંપની મેટાની ઝાટકણી કાઢી છે. 2021ની વિવાદિત પ્રાઈવસી પોલિસીને લઈને આજે કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારતમાં રહેવું હોય તો ભારતના કાયદા અને નિયમોનું પાલન કરવું જ પડશે.
અમારા નિયમો ન પાળવા હોય તો ભારત છોડી દો
CJI સૂર્યકાંતે સુનાવણી દરમિયાન મેટા અને વોટ્સએપને આકરા શબ્દોમાં ફટકાર લગાવતા કહ્યું હતું કે, જો તમે અમારા બંધારણ અને નિયમોનું પાલન ન કરી શકતા હોવ, તો તમે ભારત છોડીને જઈ શકો છો. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે અમે ભારતના નાગરિકોની પ્રાઈવસી એટલે કે ગોપનીયતા સાથે કોઈ પણ પ્રકારનું જોખમ નહીં ચલાવી લઈએ. વોટ્સએપ અહીં સર્વિસ આપવા માટે છે, લોકોનો ડેટા ભેગો કરીને તેને વહેંચવા માટે નહીં.
સામાન્ય માણસ તમારી પોલિસી કેવી રીતે સમજશે?
સુપ્રીમ કોર્ટે કંપનીને સવાલ કર્યો હતો કે તમારી પ્રાઈવસી પોલિસી એટલી જટિલ છે કે સામાન્ય માણસ તેને સમજી જ ન શકે. CJIએ પૂછ્યું કે રસ્તા પર વેપાર કરતા લોકો, ગામડામાં રહેતા વૃદ્ધો કે જેમને માત્ર સ્થાનિક ભાષા (જેમ કે તમિલ) આવડે છે, તેઓ તમારી શરતો કેવી રીતે સમજશે? અમને જ તમારી પોલિસી સમજવામાં મુશ્કેલી પડે છે તો બિહારના કોઈ ગામડામાં રહેતી વ્યક્તિને શું ખબર પડશે?
દવા લખો અને 5 મિનિટમાં જાહેરાત દેખાય!
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલે દલીલ કરી હતી કે વોટ્સએપની પોલિસી શોષણ કરનારી છે. તેઓ યુઝર્સનો ડેટા શેર કરીને કમાણી કરે છે. આ વાત પર સુપ્રીમ કોર્ટે પણ ટકોર કરી કે, જો કોઈ ડૉક્ટર વોટ્સએપ પર દર્દીને ત્રણ દવા લખીને આપે, તો માત્ર 5 મિનિટમાં જ યુઝરના ફોનમાં દવાની જાહેરાતો દેખાવા લાગે છે. આ બતાવે છે કે ડેટાનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે.
લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું બંધ કરો
કોર્ટે વોટ્સએપને યુઝર્સનો ડેટા મેટા સાથે શેર કરવાની મનાઈ ફરમાવી છે. કોર્ટે અવલોકન કર્યું કે લોકોને હવે આ એપની લત લાગી ગઈ છે અને કંપની યુઝર્સની આ મજબૂરીનો ફાયદો ઉઠાવી રહી છે. પૈસા કમાવવા માટે લાખો-કરોડો યુઝર્સના ડેટાનો દુરુપયોગ કરવામાં આવે છે. કોર્ટે કહ્યું કે ભારતના યુઝર્સ ચૂપ છે તેનો અર્થ એવો નથી કે તમે ગમે તેનો ડેટા વેચવા લાગો.
આગળ શું થશે?
સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને નોટિસ આપી છે અને એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું છે. હવે આ કેસની સુનાવણી 3 જજોની બેન્ચ કરશે અને વધુ સુનાવણી 9 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ નવેમ્બર 2024માં જ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ વોટ્સએપને પ્રાઈવસી પોલિસી અને નિયમોના ભંગ બદલ 213 કરોડ રૂપિયાનો તોતિંગ દંડ ફટકાર્યો હતો. કંપની પર આરોપ હતો કે તેણે યુઝર્સને નવી પોલિસી સ્વીકારવા માટે મજબૂર કર્યા હતા, જેના વિરોધમાં મેટા કંપની સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.










